Saturday, December 6, 2025
Homeરાજ્યઓખા મંડળમાં બિચ્છુ ગેંગના વધુ બે સદસ્યો ઝડપાયા

ઓખા મંડળમાં બિચ્છુ ગેંગના વધુ બે સદસ્યો ઝડપાયા

બે દિવસના રિમાન્ડ પર : અગાઉ પણ બાર શખ્સોની ધરપકડ કરાઇ હતી

દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ ખાતેના સ્થાનિકો, વેપારીઓને વિવિધ પ્રકારે કનડગત કરતી બિચ્છુ ગેંગને આજથી આશરે ત્રણેક માસ પૂર્વે જિલ્લા પોલીસે દબોચી લઈ કુલ બાર શખ્સોની ધરપકડ કરીને ગુજસીટોક હેઠળ રિમાન્ડ સહિતની કડક કાર્યવાહી કરી હતી.

- Advertisement -

આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સીધી દેખરેખ હેઠળ મીઠાપુર વિસ્તારમાં સક્રિય એવા આ ગેંગના વધુ બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં દ્વારકા તાલુકાના મેવાસા ગામની સીમમાં રહેતા મેરૂભા વાલાવા માણેક (ઉ.વ. 42) અને દ્વારકા તાલુકાના ટોબર ગામના રાયદેભા ટપુભા કેર (ઉ.વ. 25) નામના બે શખ્સોને પોલીસે શનિવારે ઝડપી લઇ, આજરોજ રવિવારે તેમની પાસે વધુ કેટલીક વિગતો ઓકાવવા માટે રાજકોટ ખાતે ગુજસીટોક સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને જિલ્લા પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવતા ઉપરોક્ત બંને શખ્સોના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

આ સમગ્ર કાર્યવાહી ડી.વાય.એસ.પી. હિતેન્દ્ર ચૌધરી, મીઠાપુરના પી.આઈ. સી.એલ. દેસાઈ તેમજ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અને સ્થાનિક પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular