રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી લોકોના પડતર પ્રશ્નો અને રજૂઆતો અંગે સમીક્ષા કરી હતી. બેઠકમાં મંત્રીએ માર્ગ અને મકાન વિભાગના રોડ રસ્તાના કામો, સિંચાઈ વિભાગ, પંચાયત બાંધકામ વિભાગ, એસ.ટી. વિભાગ, નાગરિક પુરવઠા વિભાગના કામો, મહાનગરપાલિકા હસ્તકના રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, પાણી, સ્ટ્રીટ લાઈટ વગરે પ્રશ્નો, પાણી પુરવઠા વિભાગ, ધ્રોલ-કાલાવડ તાલુકાના પીવાના પાણીના પ્રશ્નો, સૌની યોજના અંગેના પ્રશ્નો વગેરેની ઉપસ્થિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી સમીક્ષા કરી હતી તેમજ સત્વરે તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે જન જનની સુખાકારી અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સૌ પોતાની નૈતિક જવાબદારી સમજી કામગીરી હાથ ધરીએ તે ઇચ્છનીય છે. પછાત અને વંચિતોનો વિકાસ થાય, લોકોની વ્યાજબી અને લાંબા સમયની પડતર માંગણીઓનો સત્વરે નિકાલ થાય તે માટે સક્રિયતા દાખવવી ખૂબ જરૂરી છે.બેઠકમાં અધિકારીઓ તરફથી રજૂ થયેલ પ્રશ્નો અને રજૂઆતો પરત્વે પણ મંત્રીએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, પ્રાંત અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, કાર્યપાલક ઈજનેર સ્ટેટ તથા પંચાયત, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી, પાણી પુરવઠા અધિકારી, સહિતના સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.