જામનગર શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી રખડતાં પશુઓની સમસ્યા જટીલ બની ગઇ છે. આ રખડતાં પશુઓને કારણે અકસ્માત બનતાં હોય છે.જેમાં શહેરીજનોના મોત નિપજવાની ગંભીર ઘટનાઓ પણ બને છે. આ સમસ્યાનું નિરાકરણ કરવા મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમ્યાન શહેરમાં આજે એકજ દિવસમાં બેડી અને ભાટની આંબલી વિસ્તારમાં કુતરાઓએ પાંચ વ્યક્તિઓને બટકા ભરી હુમલો કરતા શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જેમાં પ્રથમ બનાવ દિગ્વિજય સોલ્ટ બેડી બંદર અને માધાપર ભૂંગા નજીક આજે બપોરના સમયે એક હડકાયા કુતરાએ આતંક મચાવ્યો હતો અને આ વિસ્તારમાં રહેતા રમજાન રફીક બુચડ (ઉ.વ.7), સુરેશ નારાયણભાઈ (ઉ.વ.37), ઈશાભાઈ સીદીકભાઈ સેડાત (ઉ.વ.64) અને સોહિલ હનીફભાઈ મલેક (ઉ.વ.34) નામના ચાર વ્યક્તિઓને આંખ ઉપર અને છાતીમાં કરડી જતા ઈજા પહોચેલા ચારેય વ્યક્તિઓને સારવાર માટે જીજી હોસ્પીટલમાં ખેસડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં કુતરાએ આતંક મચાવતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો.
તેમજ બીજો બનાવ જામનગર શહેરમાં ભાટની આંબલી નજીકના વિસ્તારમાં ઘરકામ કરવા ગયેલા જનકબેન સોઢા નામના મહિલા ઉપર પાંચ થી છ કુતરાઓ દ્વારા હુમલો કરી મહિલાના મોઢા અને હાથમાં બટકા ભરતા ગંભીર ઈજા પહોચી હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે જીજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. શહેરમાં ઘણા સમયથી રખડતા ઢોરની સાથે સાથે હવે કૂતરાઓનો આતંક પણ વધી જતા શહેરમાં રહેવું મુશ્કેલ બની ગયું છે.