જામનગરના કડિયાવાડ વિસ્તારમાં મોટી પીપળા શેરી વિસ્તારમાં ગઈકાલે એક જર્જરીત મકાનનો હિસ્સો ઘસી પડ્યો હતો. સદભાગ્ય કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ સમગ્ર મકાન અતિ જર્જરીત હોવાથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે ડીમોલેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
મોટી પીપળા શેરીમાં એકલવાયું જીવન જીવતા વયોવૃદ્ધનું ત્રણ માળનું મકાન આવેલું છે. જેનો રવેસનો હિસ્સો ગઈકાલે ધસી પડ્યો હતો. પરંતુ તે સમયે કોઈ પસાર થતું ન હોવાના કારણે જાન હાની ટળી હતી અને ફાયર બ્રિગેડની ટુકડીએ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. જ્યાં રહેણાંક મકાનનો બાકીનો પણ હિસ્સો ખૂબ જર્જરીત અવસ્થામાં છે, અને ગમે ત્યારે ધસી પડે તેવી સ્થિતિમાં હોવાથી આજે જામનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાના અધિકારી રાજભા ચાવડાની રાહબરી હેઠળ એસ્ટેટ શાખાના સાત જેટલા કર્મચારીઓની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્રણ માળનું જર્જરીત મકાન કે જેને તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સમગ્ર જર્જરીત મકાનને તોડી પાડવામાં આવ્યું હતું. આ વેળાએ આસપાસના વિસ્તારના તમામ રહેવાસીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા હતાં.