કાલાવડ તાલુકાના જશાપર ગામમાં રહેતા વૃધ્ધ ખેડૂતના 14 કલાક બંધ રહેલા મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી લોખંડની જાળીનું હથિયાર વડે તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી રૂમમાં રહેલા કબાટની તીજોરીના લોક તોડી રૂા.6.10 લાખની કિંમતના 24 તોલાના સોનાના દાગીના અને રૂા.28750 ની કિંમતના ચાંદીના દાગીના તથા એક લાખની રોકડ રકમ મળી રૂા.7,38,750 ની માલમતાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે તપાસ આરંભી હતી.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી તસ્કરો બેખોફ બની ગયા છે અને શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં એક પછી એક ચોરી કરી તરખાટ મચાવી રહ્યા છે. ચોરીના વધતા જતાં બનાવોની ઘટના જોતાં પોલીસની ધાક ઓસરતી જતી હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ જામનગર શહેરમાં ત્રણ સ્થળોએ ચોરીની ઘટના બાદ હવે કાલાવડ તાલુકાના જશાપર ગામમાં ખોડિયાર મંદિરની બાજુમાં રહેતાં અને ખેતી કરતાં કેશવજીભાઈ કાનજીભાઈ ફળદુ (ઉ.વ.62) નામના વૃદ્ધ પટેલ ખેડૂતનું મકાન બુધવારે સાંજના 4 વાગ્યાથી ગુરૂવારે સવારના 6 વાગ્યા સુધીના 14 કલાક સુધી બંધ રહ્યું હતું. આ સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને ટાર્ગેટ બનાવી લોખંડની જાળીનું તાળુ તિક્ષ્ણ હથિયાર વડે બળપ્રયોગ કરી તોડી નાંખી મકાનમાં પ્રવેશી રૂમમાં રહેલા લોખંડના કબાટનો દરવાજો તોડી અને તિજોરીના લોક તોડી નાખ્યા હતાં.
તેમજ તસ્કરોએ કબાટમાં રાખેલા રૂા.6,10,000 ની કિંમતના 24 તોલા અને 4 ગ્રામ વજનના સોનાના દાગીના તથા રૂા.28,750 ની કિંમતના 1150 ગ્રામ ચાંદીના દાગીના અને 1 લાખની રોકડ રકમ સહિત કુલ રૂા.7,38,750 ની માલમતાની ચોરી કરી ગયા હતાં. ત્યારબાદ બહારગામથી પરત ફરેલા વૃધ્ધ ખેડૂતે આ ચોરીની જાણ પોલીસમા કરી હતી. જેના આધારે પીઆઈ યુ.એચ.વસાવા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગુનાશોધક શ્વાન તથા એફએસએલની મદદ વડે આ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.