ઇંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથ-2નું તાજેતરમાં અવસાન થયું છે. ત્યારે જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યજીએ ઇંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથ-2 સાથે જોડાયેલી તેમની યાદોને યાદ કરી છે. મહારાણી એલિઝાબેથ-2ના રાજ્યાભિષેક સમયની જામસાહેબની યાદો શબ્દસહ અત્રે પ્રસ્તુત છે.
મહારાણી એલિઝાબેથ-2, વર્ષ 1953માં ગાદી પર બિરાજ્યા હતાં તે સમયે હું બાર વર્ષનો હતો અને સ્વિટ્ઝરલેન્ડમાં ભણતો હતો. મારા મરહુમ પિતાજી જામસાહેબ-2 દિગ્વિજ્યસિંહજી અને તેમની સાથે લંડનમાં યોજાનારા રાજ્યાભિષેક સમારોહમાં લઇ ગયા હતાં. હું આ પ્રભાવિત કરનારા અને ખૂબ આકર્ષક એવા રાજ્યાભિષેક સમારોહની પરેડનો સાક્ષી બન્યો હતો.
મહારાણીની સવારીમાં ટોગોના રાણીએ પણ ચાંદીની શાહી કેરેજમાં ભાગ લીધો હતો. તે ખૂબ જ જોશીલુ વ્યક્તિત્વ ધરાવતા હતા અને બંને તરફ ઉમટેલી જનમેદનીને હાથ હલાવી અભિવાદન કરી રહ્યા હતાં. તે વિશાળકાય હોવાથી સરળતાથી લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતાં.
અમે મુખ્ય ચર્ચમાં આ રાજ્યાભિષેકવિધિ ટીવીમાં નિહાળી હતી. આ પ્રસંગ પ્રભાવજનક અને ખૂબ મહત્વપૂર્ણ હતો. વિશેષ કરીને મહારાણીના રાજ્યાભિષેકની વિધિના ભાગરુપે પડદા પાછળ તેમને વિશેષ તેલથી કરાવવામાં આવતી સ્નાનની વિધિ પણ અવિસ્મરણિય હતી.
હું અને મારા પિતા ત્યાં સવોય હોટલમાં રોકાયા હતાં. જ્યાં તે દિવસે સવારે જ અમને માહિતી મળી હતી કે, એડમંડ હિલેરી અને નોર્ગે તેન્ઝીંગએ બ્રિટિશ એવરેસ્ટ અભિયાનને સફળ બનાવ્યું હતું અને માઉન્ટ એવરેસ્ટ પર પગ મૂકનારા પહેલા નસિબવંતા સાહસિકો બન્યા હતાં. અમે તેમની આ સિધ્ધિને મહારાણીનાં રાજ્યાભિષેકની ભેટ જ માની વધાવી હતી.
ત્રણ દિવસ પછી હું જ્યાં અભ્યાસ કરતો હતો તે સ્વિટ્ઝરલેન્ડની શાળામાં પહોંચી ગયો અને થોડા અઠવાડિયા પછી હું ઇંગ્લેન્ડમાં પબ્લિક સ્કૂલમાં દાખલ થયો હતો. ત્યાં હું સ્ટડીમાં એક અંગ્રેજી વિદ્યાર્થી સાથે કામ કરતો. તેની દિવાલો પર એલિઝાબેથ ટેલરની તસવીરો ચોંટાડેલી હતી. જ્યારે મારી દિવાલો મહારાણી એલિઝાબેથનાં ચિત્રોથી શોભતી હતી. હું જીવનભર મહારાણી અને ડ્યૂક ઓફ એડનબરોનો પ્રશંસક રહ્યો છું કે, જેઓ હું કંઇપણ કરું હંમેશા મારા વિચારોમાં રહ્યાં છે. હવે, 70 વર્ષ બાદ આપણે આ બંને પ્રતિભાશાળી વ્યક્તિત્વ વિના જીવવાનું છે. ઇંગ્લેન્ડ પહેલા જેવું ક્યારેય જોવા નહીં મળે.