દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યમરાજાએ જાણે મુકામ કર્યો હોય તેમ ગઈકાલે એક દિવસમાં અપમૃત્યુના પાંચ બનાવ પોલીસ દફતરે નોંધાયા છે.
ઓખા મંડળના મીઠાપુર તાબેના શામળાસર વાડી વિસ્તારમાં રહેતા નવઘણભા આલાભા ગોહેલ નામના 35 વર્ષના હિન્દુ વાઘેર યુવાન ગુરુવારે રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર આ વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર ટ્રેન હેઠળ આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ ભારાભા જોધાભા ગોહેલએ મીઠાપુર પોલીસને કરી છે.
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા લખમણભાઈ વીરજીભાઈ રાઠોડ નામના 28 વર્ષના સતવારા યુવાન રાત્રિના સમયે પોતાની વાડીએ ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા તેમને જોરદાર વિજ કરંટ લાગવાના કારણે તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ નંદાણાના ભરતભાઈ નરશીભાઈ રાઠોડએ સ્થાનિક પોલીસને કરી છે.
ભાણવડ તાલુકાના જંબુસર ગામની સીમમાં રહેતા રાણાભાઈ પરબતભાઈ અમર નામના 70 વર્ષના મેર વૃદ્ધને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
ઓખામાં શિવમ જેટીમાં લંગરવામાં આવેલ ઈશ્વરી કૃપા નામની બોટમાં મૂળ મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના વતની ફિરોજભાઈ મરાઠા નામના 56 વર્ષના માછીમાર આધેડને બોટની કેબિનમાં સુતી વખતે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ પંકજભાઈ ફકીરભાઈ મંગેલા (ઉ.વ. 40) એ ઓખા મરીન પોલીસને કરી છે.
આ ઉપરાંત ઓખા નજીકના બેટ દ્વારકા વિસ્તારમાં હાજી કિરમાણીની દરગાહની પાછળના ભાગે સલામ ભરી અને દરિયામાં નાહવા ઉતરેલા મહમદભાઈ ફિરોજભાઈ રાઠોડ નામના 18 વર્ષના સિપાહી યુવાનનું ડૂબી જતા કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.