મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્ે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલાં આજે ગુજરાત બંધના એલાનની અસર જામનગર શહેર અને જિલ્લામાં પણ જોવા મળી હતી. બંધના એલાનને પગલે જામનગર શહેરની મુખ્ય બજારો બપોરે બાર વાગ્યા સુધી બંધ રહી હતી. જયારે જે વિસ્તારોમાં દુકાનો અને ધંધા-રોજગાર ચાલુ હતા ત્યાં કોંગ્રેસના નેતાઓ દ્વારા બંધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બંધ કરાવવાના આ પ્રયાસ દરમ્યાન શહેરમાં કેટલીક જગ્યાએ પોલીસ અને કોંગી નેતાઓ વચ્ચે શાબ્દિક ચકમક પણ જરી હતી. જયારે પોલીસે કેટલાક કોંગી આગેવાનોની અટકાયત કરી હતી. જામનગર શહેર ઉપરાંત જામજોધપુરમાં વેપારીઓએ સજજડ બંધ પાળ્યો હતો. જયારે સિકકાના વેપારીઓ પણ બંધમાં જોડાયા હતા. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇ દ્વારા શહેરની શાળા-કોલેજો બંધ કરાવવામાં આવી હતી.
બેકાબુ મોંઘવારી, બેરોજગારી અને સરકારી તંત્રમાં વધી રહેલાં ભ્રષ્ટાચારના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે સમગ્ર રાજયમાં અડધા દિવસના બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ એલાન અંતર્ગત રાજયના અનેક શહેરોમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો બંધને સફળ બનાવવા માટે તેમજ સરકાર સામે આક્રોશ દર્શાવવા મેદાનમાં ઉતર્યા હતા. જામનગર શહેરમાં પણ આજે સવારથી કેટલાક વિસ્તારોમાં વેપારીઓ સ્વૈચ્છિક બંધમાં જોડાયા હતા. જયારે કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો દ્વારા લોકોને બંધ જોડાવવાની અપીલ કરવા સાથે બંધ કરવાની ફરજ પણ પાડવામાં આવી હતી. ખાસ કરીને શહેરના બર્ધન ચોક, ચાંદીબજાર, દરબારગઢ, શાકમાર્કેટ, રણજીતરોડ, ગ્રેઇન માર્કેટ સહિતના વિસ્તારોમાં જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણકુંભારવડિયા, ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ, કોંગ્રેસના પ્રદેશ મંત્રી બિપેન્દ્રસિંહ જાડેજા, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા કાસમ ખફી સહિતના આગેવાનો શહેરના માર્ગો પર ફરીને વેપારીઓને બંધ રાખવા માટે અપીલ કરતાં જોવા મળ્યા હતા.
તો બીજી તરફ જામ્યુકો.ના પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી, અસ્મલ ખિલજી, કોર્પોરેટર જેનબબેન ખફી, મહિલા કોંગ્રેસના સારાહ મકવાણા, પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ સહિતના આગેવાનો અને કાર્યકરો બર્ધન ચોક, કાલાવડ નાકા બહાર સહિતના વિસ્તારોમાં વેપારીઓને દુકાનો બંધ કરાવતા જોવા મળ્યા હતા. કેટલીક જગ્યાએ બંધ પાડવા મુદ્ે વેપારીઓ અને કોંગી કાર્યકરો વચ્ચે રકઝક પણ થવા પામી હતી. બંધ દરમ્યાન કોઇ અનિચ્છનિય કે હિંસક ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કોંગી આગેવાનો, કાર્યકરોના કાફલા સાથે ફુટ પેટ્રોલિંગ કર્યુ હતું. દરમ્યાન જી.જી. હોસ્પિટલ સામેના વિસ્તારની દુકાનો બંધ કરાવવા મુદ્ે પોલીસ અને કોંગી નેતાઓ વચ્ચે રકઝક થવા પામી હતી. મામલો બીચકે તે પહેલાં પોલીસે પ્રદેશમંત્રી બિપેન્દ્રસિંહ જાડેજા સહિતના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી.
બંધને પગલે જામનગર શહેરની શાળા, કોલેજો બંધ રાખવા માટે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા અપીલ કરવામાં આવી હતી. એનએસયુઆઇના આગેવાનો અને કાર્યકરોએ શહેરમાં આવેલી જુદી-જુદી શાળાઓ અને કોલેજમાં પહોંચી જઇ સંચાલકોને શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અપીલ કરી હતી. મોંઘવારી, બેરોજગારીના મુદ્ે આપવામાં આવેલું કોંગ્રેસનું અડધા દિવસનું બંધનું એલાન સફળ રહ્યાંનો દાવો કોંગ્રેસ તરફથી કરવામા આવ્યો છે. તેમજ મોંઘવારીથી ત્રસ્ત લોકો સ્વયંભુ રીતે આ બંધમાં જોડાઇને સહકાર આપ્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
જામજોધપુર સજ્જડ બંધ
જીએસટી-મોંઘવારી સહિતના મુદ્ે કોંગે્રસ દ્વારા અડધો દિવસના અપાયેલ બંધના એલાનના પગલે જામજોધપુર શહેર મુખ્ય બજાર માર્કેટીંગ યાર્ડ સહિત તમામ દુકાનો બંધ રાખી વેપારીઓ પણ આક્રોશ સાથે બંધમાં જોડાયા હતાં. ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયા તેમજ કોંગે્રસ કાર્યકરો બજારમાં ફરી બંધ કરવા અપીલ કરતાં તમામ વેપારી ભાઈઓએ સહકાર આપી તમામ લોકોએ પોતાના રોજગાર ધંધા બંધ રાખ્યાં હતાં આમ જામજોધપુર સફળતાપૂર્વક બંધ રહ્યું હતું.