ડ્રગ્સ ક્ધટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઇ)એ આજે ભારત બાયોટેકની નાકથી આપવામાં આવતી કોવિડ વેક્સિનને 18 વર્ષથી ઉપરના લોકો માટે મર્યાદિત ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારતની કોવિડ-19 વિરુદ્ધની લડાઇમાં વધુ એક સફળતા મળી છે. ભારત બાયોટેકની સીએચએડી36-સાર્સ-કોવ-એસ કોવિડ-19 નસલ વેક્સિનને 18 વર્ષથી ઉપરના લોકો માટે મર્યાદિત ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે.
કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસાર હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ (બીબીઆઇએલ)એ 4000 વોલેન્ટીયર્સ પર નસલ વેક્સિનની ક્લીનિકલ ટ્રાયલ પૂર્ણ કરી છે અને અત્યાર સુધી આ લોકોમાં કોઇ સાઇડ ઇફેક્ટ જોવા મળી નથી.
આ દરમિયાન દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4417 કેસ નોંધવામાં આવ્યા છે. જે છેલ્લા ત્રણ મહિનાના સૌથી ઓછા કેસ છે. આ સાથે જ કારોનાના કુલ કેસોની સંખ્યા વધીને 4,44,66,862 થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.
બીજી તરફ દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 52,336 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 24 મોત નોંધવામાં આવતા દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 5,28,030 થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસોમાં 1638નો ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ કોરોના વેક્સિનના કુલ 213.72 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.