અમદાવાદ શહેરમાં આપઘાતના બનાવોમાં વધારો થયો છે. ત્યારે શહેરમાં ગોતામાં રહેતા એક પોલીસકર્મીએ તેના પરિવાર સાથે 12મા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. શહેરમાં ગોતા વિસ્તારમાં દીવા હાઇટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે આપઘાત કર્યો છે. તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હતાં.
પોલીસકર્મીના આપઘાત કરવા પાછળ કયું કારણ છે એ હાલમાં જાણી શકાયું નથી. પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આપઘાત કરનાર પોલીસકર્મી અને તેના પરિવારનું હાલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, પત્ની રિદ્ધિબેન અને પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે મોડી રાત્રે દોઢ વાગે 12મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. કુલદીપસિંહનાં બહેન તેમની નજીકમાં જ રહે છે. આપઘાત પાછળનાં કારણો જાણવા તજવીજ શરૂ કરાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને આ બનાવની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ પરિવારની સામૂહિક હત્યાનો આ પહેલો બનાવ છે. કુલદીપસિંહ અને તેમના પત્નીએ આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. હાલમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પોલીસ પરિવારમાં પડ્યા છે.તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હતાં કુલદીપસિંહના બનેવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે પોલીસકર્મી કુલદીપસિંહ ભાવનગરના સિહોરના વતની હતા.
અને તેમનાં પત્ની સિહોરની બાજુમાં આવેલા વડિયાનાં રહેવાસી હતાં. તેમના જાણીતા લોકોનું કહેવું છે કે કુલદીપસિંહ સ્વભાવે અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા, આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એ હજી સમજાતું નથી. તેમના પડોશમાં જ તેમનાં બહેન રહે છે, કુલદીપસિંહના બનેવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેમને પણ અંદાજ નહોતો કે કુલદીપસિંહ અને તેમનાં પત્ની આવું પગલું ભરશે.