સામેપાર પાકિસ્તાનમાં અતિવૃષ્ટિને કારણે ભારે પૂરને પગલે વરસાદી પાણી કચ્છના રણમાં ઘૂસી આવતાં સરહદી ગામોના લોકોએ સલામત સ્થળોએ સ્થળાંતર કર્યું છે અને હજુ પણ પૂરના પાણી ચાલુ રહેતાં રણમાં જળસ્તર વધી રહ્યો છે. જિલ્લા પંચાયતની સરાડા બેઠકના સદસ્ય અબ્દુલા જતે જણાવ્યું હતું કે પૂરનાં પાણી હજુ ચાલુ છે અને આગામી બે દિવસમાં આ ખારા પાણી ભીટારા, ગારવાંઢ, ઉધમા સહિતનાં ગામોમાં ઘૂસી જાય એવી શક્યતા છે. પૂરના પાણીને કારણે લુણા, બુરકલ, ભીટારાના 125 જેટલા પરિવારોએ ઉઠંગડી ટેકરા તેમજ વજીરાવાંઢ ટેકરા પર 80 જેટલા પરિવારોએ આશ્ર્ય લીધો છે.
કચ્છમાં પડેલા ભારે વરસાદ સ્થળાંતર કરી આવેલા લોકો અહીં એક મહિનાથી રહે છે અને હવે પાકિસ્તાનના પૂરના પાણી આવતાં હજુ 15થી 20 દિવસ સુધી પોતાના ગામથી 20 કિ.મી. દૂર ઉઠંગડી ટેકરા અને વજીરાવાંઢ ટેકરા પર જ રહેવું પડશે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. ભગાડિયાના નૂરા ખમીસા જતે જણાવ્યું હતું કે રણમાં આવેલી કંપની દ્વારા પૂરના પાણી સાથે કેમિકલયુક્ત પાણી છોડાય છે, જે પાણી ઘડુલી-સાંતલપુર માર્ગ વચ્ચેના પુલિયા નીચેથી પસાર થઇને ઘાસિયા ભૂમિમાં આવતું હોઇ બન્નીના શ્રેષ્ઠ ઘાસને પણ નુકસાન કરશે.