Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાનો સુવિખ્યાત શિરેશ્વર લોકમેળો પ્રથમ દિવસે મંજૂરી વગર ધમધમ્યો..!!!

ખંભાળિયાનો સુવિખ્યાત શિરેશ્વર લોકમેળો પ્રથમ દિવસે મંજૂરી વગર ધમધમ્યો..!!!

ગંભીર અકસ્માત થાય તો જવાબદાર કોણ?? ચર્ચાતો પ્રશ્ન : પ્રથમ દિવસે બની રહેલા લુટમેળામાં અનેક લોકો ખંખેરાયા : તંત્રનું ધૃતરાષ્ટ્ર મૌન ટીકાપાત્ર

- Advertisement -

ખંભાળિયા શહેરના પાદરમાં શક્તિનગર વિસ્તારમાં શ્રી શિરેશ્વર મહાદેવના મંદિરના વિશાળ પટંગળમાં યોજાતો લોકમેળો મીની તરણેતરની ઉપમા પામ્યો છે. અહીં ફક્ત ખંભાળિયા તાલુકાના જ નહીં પરંતુ જિલ્લા તથા આસપાસના વિસ્તારોના લોકો મન ભરીને મેળાની મોજ માણવા ઊમટી પડે છે. દર વર્ષે ભાદરવા સુદ ત્રીજ, ચોથ અને પાંચમના ત્રણ દિવસના યોજાતા લોકમેળા આ વખતે ચાર દિવસના યોજવામાં આવ્યા છે. પરંતુ આ લોકમેળાની વ્યવસ્થા તેમજ મંજૂરી અંગેની ગંભીર બાબતો સામે આવી છે. જેમાં અગાઉ વ્યક્ત કરવામાં આવેલી આશંકા મુજબ આ લોકમેળો પ્રથમ દિવસે લૂંટમેળો બની રહ્યો હતો.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સૌથી મોટા તથા સમગ્ર સૌરાષ્ટ્રમાં જેની નોંધ લેવામાં આવે છે તથા સાંજથી વહેલી સવાર સુધી ચાલતા મીની તરણેતર જેવા શિરેશ્ર્વર લોકમેળાનું આયોજન અણઘડ અને અવ્યવસ્થિત હોય તેવું ચિત્ર ખડું રહ્યું થઈ રહ્યું છે.

આવડા મોટા મેળાનું સંચાલન નાયબ કલેકટર કક્ષાના અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવું જોઈએ તેના બદલે સામાન્ય તલાટી- સરપંચ દ્વારા આયોજન થતાં આ લોકમેળાના ગઈકાલે પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમયે અનેક ચગડોળ તથા રાઈડ્ઝ માટે મંજૂરી સાંપડી ન હતી.

- Advertisement -

અહીંના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા હાલ રજા ઉપર હોવાથી દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાને અહીંનો હવાલો આપવામાં આવ્યો છે. જેમની પાસે મંજૂરી માંગવામાં આવી હતી. પરંતુ ગઈકાલે મંજૂરી અપાઈ ન હતી. છતાં પણ લોકમેળાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો.!!

જ્યાં લાખો લોકો મેળામાં ઉમટતા હોય, તેવા લોકમેળાનું અણઘણ આયોજન ભારે ટીકા પાત્ર બન્યું છે. ખરેખર લાયસન્સ, મંજૂરી, ફાયર સેફ્ટી વ્યવસ્થા જેવી પ્રાથમિક મંજૂરી બાદ લોકોની સગવડતા વાળો લોકમેળો હોય તેના બદલે આ મંજૂરી વગરનો લોકમેળો ભારે ચર્ચાસ્પદ બની ગયો છે અને લાઇસન્સ ના અભાવે ગઈકાલે અનેક ચકડોળ શરૂ ન થતા નાના બાળકો નિરાશ થઈ ગયા હતા.

- Advertisement -

આ પરિસ્થિતિમાં નાનકડી અને સક્ષમ ન ગણાતી ગ્રામ પંચાયતના બદલે આવડું મોટું આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરાય તે બાબતે જ યોગ્ય ગણાય રહી છે.

ગઈકાલે બુધવારે શિરેશ્વર લોકમેળાનું ભવ્ય ઉદ્ઘાટન થયું હતું. પરંતુ અગાઉ વ્યક્ત કરવામાં આવેલી આશંકા મુજબ બે વર્ષથી આ લોકમેળો ન યોજતા હતા લોકોની મોજ માણવાની તીવ્રતાને ધ્યાને લઈ ચગડોળ અને રાઇડ્ઝ વાળાએ આ લોકમેળો લૂંટમેળો બનાવી દીધો હતો અને વિવિધ રાઈડ્ઝના રૂા. 20-30 ના બદલે રૂા. 50 સુધી લેવાયા હતા. આ મેળાનું મુખ્ય આકર્ષણ વિવિધ પ્રકારની રાઈડ્સ છે. રાજકોટ, જામનગર તથા પોરબંદરમાં પણ રૂપિયા 30-30 લેવામાં આવ્યા છે. જ્યારે નાનકડા ખંભાળિયા શહેરમાં અગાઉ રૂા. 20 લેવાતા હતા. પરંતુ આ વખતે રૂપિયા 50 પડાવાતા તંત્ર- અધિકારીઓની આમાં મિલી ભગત છે કે આંખ આડા કાન?? તેવો પ્રશ્ન પણ ગરીબ-મધ્યમ વર્ગમાં પૂછાઇ રહ્યો હતો. વ્યાપક પ્રમાણમાં અવ્યવસ્થા વચ્ચે રાઈડના રૂપિયા 30 ના બદલે 50 લેવાતા આ બાબતે સંબંધિત તંત્ર સમક્ષ ફરિયાદો કરવામાં આવી છે. જેથી આગામી ત્રણ દિવસોમાં આ લોકમેળો લૂંટમેળો બનતા અટકે…

ખંભાળિયાના શિરૂ તળાવના આ લોકમેળાનો ગઈકાલે બપોરે વિધિવત રીતે પ્રારંભ થયાની થોડી જ વારમાં વરસાદ વરસ્યો હતો અને માત્ર પાંચ મિલીમીટર વરસાદ વરસી જતા મેળામાં આવેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી અને આખા મેળામાં પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આટલું જાણે ઓછું હોય તેમ ગારો-કીચડ અને લપટણીયા જેવી પરિસ્થિતિ સર્જાઈ જતા લોકોના રંગમાં ભંગ પડ્યો હતો. અનેક સ્થળોએ વધુ પાણી ભરાઈ જતા રાઈડ બંધ થવા જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. લોકમેળામાં આવવા તથા જવાના રસ્તા ઉપર પણ પાણી ફરી વળતા ગારા- કીચડના છવાઈ ગયેલા સામ્રાજ્યથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular