જામનગર શહેરમાં શનિવારે શ્રાવણ માસના અંતિમ દિવસે વહેલીસવારથી શહેરના જુદા-જુદા શિવાલયોમાં શિવભકતો ભગવાન ભોળાનાથને રિઝવવા ઉમટી પડયા હતાં.
શ્રાવણી અમાસ અને શ્રાવણ માસનો અંતિમ દિવસ હોય, મંદિરોમાં શિવભકતોનું ઘોડાપૂર ઉમટયું હતું. છોટી કાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગરના કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિર, રામેશ્ર્વર મહાદેવ મંદિર, પ્રતાપેશ્ર્વર મહાદેવ મંદિર, ગૌરીશંકર મહાદેવ મંદિર સહિતના અનેક નાના મોટા શિવાલયોમાં આકર્ષક શ્રૃંગાર દર્શન કરવામાં આવ્યાં હતાં. જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ ઈચ્છેશ્ર્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ દિવસ નિમિત્તે શિવ કૈલાસ સ્વરૂપ મહાદેવના દર્શન યોજાયા હતાં. આ ઉપરાંત હાટકેશ્ર્વર મહાદેવ મંદિરે શણગાર દર્શન તેમજ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તથા આરતી બાદ મહામૃત્યુંજય મંત્રનું પઠન કરવામાં આવ્યું હતું. છેલ્લાં એક માસથી છોટીકાશી શિવમય બની ગયું હતું.