જામનગર શહેરના મોરકંડા રોડ સનસીટી-2 વિસ્તારમાંથી જામનગર એસઓજીએ એક શખ્સને રૂા.4,13,000 ની કિંમતના 41 કિલો 300 ગ્રામ ગાંજા સાથે ઝડપી લઇ સિટી એ પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના મોરકંડા રોડ સનસીટી-2 શેરી નં.4 માં રહેતાં એક શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો હોવાની એસઓજીના હેકો દિનેશભાઇ સાગઠીયા તથા એએસઆઈ ચંદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ કે.જે. ભોયે તથા પીએસઆઇ એ.એસ. ગરચર સહિતના સ્ટાફ દ્વારા બાતમી મુજબની જગ્યાએ રેઈડ દરમિયાન મહમદહુશેન આમદ સમા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી રૂા.4,13,000 ની કિંમતના 41 કિલો 300 ગ્રામ ગાંજા તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂા.4,18,000 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પૂછપરછ હાથ ધરતા આ ગાંજો મહારાષ્ટ્રના નાસિક ખાતેથી લાવ્યો હોવાનું જણાવતા પોલીસ દ્વારા મહમદહુશેન આમદ સમા વિરૂધ્ધ ગુનો નોંધી સિટી એ પોલીસને સોંપી આપ્યો હતો.