જામનગરમાં ખાદી ભંડાર સામે નવીવાસમાં ગુજ. અમૃતલાલ નથુભાઇ ભાવસાર ધોબીકામ તથા ઇસ્ત્રીની દુકાન ચલાવતા હતા. આ દુકાનમાં જામનગર પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા તા. 4-2-2009ના રોજ વિજ ચેકિંગની કામગીરી કરાતા આ ગ્રાહકે બાજુના વિજ થાંભલામાંથી આવતી સર્વિસ લાઇન કટ કરી પોતાની લાઇન જોઇન્ટ કરી વાયરો ઉલટ-સુલટ કરી અર્થિંગ પર વપરાશ કરી વિજચોરી કરતા પકડાયા હતા. તે અન્વયે વિજકંપનીની ટુકડીએ આ બાબતે સ્થળ રોજકામ કરી ત્યાંથી ફ્યૂઝ તથા સર્વિસ વાયર વિગેરે કબજો કરી વિજચોરી બદલ રૂા. 1,21,464નું પુરવણી બીલ ફટકાર્યુ હતું.
વિજ કંપની દ્વારા કરાયેલ આ કાર્યવાહી અને પુરવણી બિલ ગેરકાયદે અને નિયમો વિરુધ્ધનું તથા ટાર્ગેટ પુરા કરવા વાદીને ભોગ બનાવ્યા હોવાનું જણાવી તે રદ્ કરાવવા જામનગર કોર્ટમાં દાવો કર્યો હતો.
આ દાવો આખરી રીતે ચાલી જતાં બંનેપક્ષ દ્વારા રજૂ થયેલ દસ્તાવેજી પુરવાઓ તથા મૌખિક જુબાનીઓ અને દલીલો સાંભળ્યા બાદ પીજીવીસીએલ તરફે હાજર રહેલ સિનિયર એડવોકેટ અશોક નંદાની દલીલો સ્વીકારીને જામનગરના સિનિયર સિવિલ જજ નિલેશ એન. પાથરે મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું કે, આ કેસમાં વિજકંપનીના એડવોકેટ દ્વારા થયેલ ઉલટ તપાસમાં વાદીએ વિજચોરી કર્યાનું રેકર્ડ પરથી પુરવાર થાય છે અને વિજ અધિકારીઓએ ફરજના ભાગરુપે કાર્યવાહી કર્યાનું પણ સાબિત થાય છે અને પીજીવીસીએલના અધિકારીઓ અજય પરમાર તથા ચેકિંગ કરનાર અધિકારી હસિલ ડી. વ્યાસે સોગંદ પરની જુબાનીઓ માનવાલાયક હોવાનું ઠરાવી વાદીનો દાવો ખર્ચ સહિત રદ્ કરી વિજ કંપનીનું ખર્ચ પણ વાદીએ ચૂકવવું તેવો મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે. આ કેસમાં પીજીવીસીએલ જામનગર તરફે સિનિ. એડવોકેટ અશોક નંદા તથા તેની સાથે એસો. એડ. પૂનમ પરમાર તથા કલ્પેન રાજાણી રોકાયેલ હતાં.