જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલ ઐતિહાસિક શહિદભૂમી ભૂચરમોરી ખાતે 31મો ભુચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ કેન્દ્રિય જળશકિત મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણનાં મંત્રી કિર્તીસિંહ વાઘેલા તેમજ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભૂચરમોરી ખાતે ખેલાયેલા આશરા ધર્મના યુદ્ધ દરમિયાન રાજપૂત સહિત અનેક જ્ઞાતિના વીર શહીદ થયા હતાં. જેને હાલાર પંથકના રાજપૂત સમાજ દ્વારા શ્રધ્ધાંજલી આપવામાં આવે છે. જેના ભાગરૂપે છેલ્લા 30 વર્ષથી ભુચરમોરી શહીદ સ્મારક સમિતિ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવે છે.
આજે શીતળા સાતમના રોજ ધ્રોલ ભૂચરમોરી ખાતે 31માં ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહમાં 5000 રાજપૂત યુવાઓએ સવારે 10 વાગ્યાથી 11 મિનિટ સુધી તલવારબાજી કરી “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ્ લંડન” માં સ્થાન મેળવવા બદલ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની નરિક્ષણ ટીમના અશ્વિન ત્રિવેદી દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં કેન્દ્રીય જળશક્તી મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, ભૂચરમોરી ની આ પવિત્ર ધરતી પર દેશ અને ધર્મ કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર શહીદોને હું નમન કરું છું. આ ધરતીની માટી પર શહીદોનું લોહી રેડાતા ચંદન બની છે. સૌરાષ્ટ્રની આ ધરતી પર વીર યોદ્ધાઓની ગાથા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આજે 5000 યુવાઓએ તલવારબાજી થી વિશ્વ રેકોર્ડ સર્જ્યો તે એ વાતની પ્રતીતિ કરાવે છે કે યુવાનો દેશ માટે બલિદાન આપવા આજે પણ તૈયાર છે. સૌરાષ્ટ્રની આ ધરતીના અનેક વીર યોદ્ધાઓ દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે. ભૂચર મોરીની ઘરા, ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી, સોમનાથનું મંદિર આ સ્થળોએ ધર્મનો વિજય થયો છે. કેન્દ્રીય મંત્રી એ વધુમાં ચારે યુગનું વર્ણન કરી દેશના વીર યોદ્ધાઓનું વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બાળક જન્મ લે ત્યારથી જ માતા તેને પારણામાં જુલવતી વખતે શૌર્યગાથાઓ સંભળાવે છે. અને અભિમન્યુ જેવા વીર યોદ્ધાઓએએ તો માતાના ગર્ભમાં જ ધર્મનું રક્ષણ કરવાની સમજ કેળવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણાં દેશનો સતત વિકાસ થઈ રહ્યો છે. દેશના પરિવર્તનમાં અનેક વીરોનું પણ યોગદાન રહેલું છે.
પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પોતાના પ્રાણોની પરવાહ કર્યા વગર ભૂચરમોરીની ઘરા પર બલિદાન આપ્યું છે તે શહીદોને નમન. છેલ્લા 30 વર્ષથી આ જગ્યા પર શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે સમારોહના આયોજનમાં હજારો રાજપૂત યુવાઓ ઉપસ્થિત રહે છે. અને 31માં શ્રધ્ધાંજલી સમારોહમાં 5000 યુવાઓના તલવાર રાસથી નવો રેકોર્ડ સર્જાયો છે. તે બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન.
આ સમારોહમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મંત્રી આઇ. કે. જાડેજા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય ગીતાબા જાડેજા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, મેનેજિંગ ટ્રસ્ટી પી.ટી. જાડેજા, મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
આશરા ધર્મ માટે સમગ્ર વિશ્વમાં અજોડ એવો અમર શહીદોનો ઈતિહાસ એટલે ભૂચરમોરી મહાયુદ્ધ
જામનગર જિલ્લાના ધ્રોલથી વાયવ્ય ખૂણામાં આશરે એક માઈલ પર આવેલી ભૂચર મોરી નામની ધાર પર સાડા ચારસો વર્ષ પહેલા જામનગરના રાજવી જામસતાજી અને અકબરના સૈન્ય વચ્ચે ખેલાયેલું યુધ્ધ દેશના સર્વકાલિન મહાન યુધ્ધોમાં સ્થાન પામી ચૂક્યું છે.
આશરે 400 વર્ષ પહેલાં ભૂચર મોરીના મેદાનમાં ખેલાયો હતો લોહિયાળ જંગ. ભુચર મોરીનું યુદ્ધ નવાનગર રજવાડાંની આગેવાની હેઠળ કાઠિવાવાડની સેના અને મિર્ઝા અઝીઝ કોકાની આગેવાની હેઠળના મુઘલ સૈન્ય વચ્ચે લડાયું હતું. રાજ ધર્મ અને આસરા ધર્મના પાલન માટે ક્ષત્રિય રાજવી હાલાજી અકબર બાદશાહ સામે ભીષણ યુદ્ધે ચડ્યા હતા. આ રણ સંગ્રામમાં જામનગરના કુંવર અજાજી પોતાના પ્રાણોની આહૂતિ આપી હતી.
આ યુદ્ધ ગુજરાત સલ્તનતના છેલ્લા સુલ્તાન મુઝ્ઝફર શાહ ત્રીજાને બચાવવા માટે હતું જેણે મુઘલ બાદશાહ અકબરથી નાસી જઇને નવાનગર રજવાડાના જામ સતાજીનું શરણ લીધું હતું. કાઠિયાવાડનું સૈન્ય જૂનાગઢ અને કુંડલા રજવાડાના સૈન્યનો સમાવેશ કરતું હતું. પરંતુ, આ બન્ને રાજ્યો છેલ્લી ઘડીએ દગો દઇને મુઘલ પક્ષમાં જોડાઇ ગયા હતા. જામનગરના રાજવી હીરો બને એ એમને પસંદ નહોતું. બન્નેએ દગો કર્યો, ખાનગીમાં બાદશાહ સાથે મળી ગયા. એ તકનો લાભ લઇ બાદશાહે મંત્રણા ફોક કરી. ફરી યુધ્ધ જામ્યું. બાદશાહના વિશાળ મોગલ સૈન્ય સામે ક્ષત્રિય નરબંકાઓએ અદ્દભુત શૌર્ય દાખવ્યું. મોગલ સૈનિકોના માથાં ધડાધડ પડવા લાગ્યા. મોગલ સેનામાં ભંગાણ પડ્યું. પણ, ત્યારે ટાંકણે જ દોલતખાન અને કાઠી ખુમાણે પાટલી બદલી. દગો થયો. પણ, રણબંકાઓએ ભૂચર મોરીની ધરાને મોગલોના રક્તથી રંગી નાખી.બરાબર એ જ સમયે જામનગરના પાટવી કુંવર અજાજીના લગ્ન હતા. એ મરદ મિંઢોળબંધો રણશૂરો 500 જાનૈયાઓને લઇને લગ્નમંડપમાંથી સીધો રણમેદાનમાં પહોંચ્યો.
મોગલોના માથાં વાઢતા-વાઢતા કુંવર શહીદ થયા. કુંવર અજાજી શહીદ થતાં તેમના રાણી યુધ્ધમેદાનમાં પહોંચ્યા. કુંવરનું માથું ખોળામાં રાખી સતી થયા. એ દિવસ હતો વિક્રમ સંવત 1648ની શ્રાવદ વદ-સાતમનો. ઇતિહાસના પાને અમરત્વ પામનાર એ મહાન યુધ્ધનો તે દિવસે અંત આવ્યો. દર વર્ષે દિવસે રાજપૂત સમાજ દ્વારા ભૂચર મોરી મેદાનમાં એ મહાન શહીદોને ભવ્ય શ્રધ્ધાંજલિ આપવામાં આવે છે. આ વર્ષે તા.18 ઓગસ્ટ નાં રોજ ભૂચરમોરી ખાતે 31 મો ભૂચરમોરી શ્રધ્ધાંજલી સમારોહ ઉજવવામાં આવ્યો હતો. જેમાં 5000 રાજપૂત યુવાઓએ 11 મિનિટ સુધી તલવારબાજી કરી વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે.
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ડો. જયેન્દ્રસિંહ જાડેજાની મહેનતના કારણે એક નવા સુંદર સ્મારકનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ભૂમિપૂજન તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઈ. સ. 2007માં 3જી સપ્ટેમ્બરના રોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા લગભગ 8 કરોડના ખર્ચે એક વિશાળ શહીદ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને જામ અજાજીની સુંદર પ્રતિમા મુકવામાં આવી છે.