છેલ્લા સાત-આઠ વર્ષોમાં પેટ્રોલની સાથ ઇથેનોલ મિશ્રિત કરીને ભારતે 50,000 કરોડ રૂપિયાનું ફોરેન એક્સચેન્જ બચાવ્યુ છે તેમ વડાપ્રધાન નરેન્દ્રી મોદીએ દાવો કર્યો છે. ઇન્ડિયા ઓઇલ કોર્પોરેશનના સેક્ધડ જનરેશન ઇથેનોલ પ્લાન્ટ દેશને અર્પણ કરતા મોદીએ જણાવ્યું હતું કે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્ર કરવાથી ખેડૂતોને પણ 50,000 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.
વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે 900 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ આ ઇથેનોલ પ્લાન્ટથી ખેતરમાં બાળવામાં આવતી પરાળીની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા આઠ વર્ષમાં ઇથેનોલનું ઉત્પાદન 40 કરોડ લીટરથી વધીને 400 કરોડ લીટર થઇ ગયું છે. આ દરમિયાન ઓઇલ પ્રધાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું છે કે એપ્રિલ, 2023થી પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રિત કરવામાં આવશે. 2025 સુધીમાં પેટ્રેોલના તમામ જથ્થામાં 20 ટકા ઇથેનોલ મિક્સ કરવામાં આવશે.