જામનગર શહેરના કૃષ્ણનગરમાં રહેતી મહિલાએ આધાસીસીની દવા પીવાના બદલે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં વૃધ્ધનો પગ સ્લીપ થતા પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગરના કૃષ્ણનગર શેરી નં. 5 માં રહેતાં નયનાબેન પીયુષભાઈ (ઉ.વ.39) નામના મહિલાને આધાસીસીની બીમારી હોય ગત તા.7 ના રોજ આધાસીસીની દવા પીવાને બદલે ઘઉંમાં નાખવાની દવા પી જતાં સારવાર અર્થે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે સાંજે તેમનું મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે પિયુષભાઈ દ્વારા જાણ કરાતા હેકો એ.જી.જાડેજા સહિતના સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, હડિયાણા ગામમાં રહેતાં પ્રાગજીભાઈ મુળજીભાઈ ગોધાણી (ઉ.વ.60) નામના વૃધ્ધનો પગ સ્લીપ થઈ જતા પડી જતાં તેમને માથાના ભાગે ઈજા પહોંચી હતી. તેમને માથાના ભાગે ઈજા પહોંચતા સારવારમાં ખસેડતા તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યા હતાં. આ અંગે નરશીભાઈ મુળજીભાઈ ગોધાણી દ્વારા જાણ કરાતા હેકો એન.વી. જાડેજા સહિતના સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.