ખંભાળિયા શહેરમાં પોરબંદર તરફથી પ્રવેશવાના માર્ગ પર આવેલો કેનેડી બ્રિજ આશરે સવાસો વર્ષ જૂનો હોય, આ પુલ નવેસરથી બનાવવો અનિવાર્ય બની રહ્યો છે. જે સંદર્ભે નગરપાલિકા તંત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ખંભાળિયામાં ખામનાથ મંદિર નજીક ઘી નદી પર આવેલો કેનેડી બ્રિજ રાજાશાહીના વખતનો આશરે એકસો વીસ વર્ષ જૂનો છે. કમાન પદ્ધતિ તથા પથ્થર અને ચૂનાના ચણતરથી જે-તે સમયે બનેલો આ કેનેડી બ્રિજ ખૂબ જ મજબૂત અને ટકાઉ હતો. પરંતુ સમયની થપાટ સાથે આ પુલ જર્જરિત અને વાહનની અવરજવર માટે ટૂંકો બની ગયો છે. આ કેનેડી બ્રીજના સ્થાને નવો કેબલ બ્રિજ બનાવવા માટે નગરપાલિકા દ્વારા ખાસ યોજના તૈયાર કરી, રૂપિયા 13 કરોડના અંદાજિત ખર્ચ સાથેની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી છે. આશરે 120 વર્ષ જૂના આ પુલ પરથી પોરબંદર તથા ભાણવડ બાજુથી આવતા મોટી સંખ્યામાં વાહનો દરરોજ અહીંથી પસાર થાય છે. જર્જરિત અને ક્ષતિગ્રસ્ત બની ગયેલો આ પુલ નીચેના ભાગે નુકશાનીગ્રસ્ત પણ બની ગયો છે. આ જોખમી બની ગયેલા પુલના કારણે ભવિષ્યમાં કોઈ જાનહાની ન સર્જાય તે હેતુથી નગરપાલિકા દ્વારા સરકારને એક દરખાસ્ત મોકલી, રૂપિયા 13 કરોડ જેટલી રકમ ફાળવીને ખાસ આયોજન કરવા રજૂઆત કરવામાં આવી છે. આ બ્રિજ નગરપાલિકાની હદમાં આવેલો છે અને આ પુલના નવનિર્માણ માટે અનિવાર્ય એવી તોતિંગ રકમ નગરપાલિકા ફાળવી શકે તેમ ન હોય, રાજ્ય સરકાર પાસે આ માટેની રકમ ફાળવવાની રજૂઆત કરવામાં આવી છે. એક સદીથી વધુ જૂનો અને રજવાડાના સમયનો આ પુલ ચાલુ રાખી અને બાજુમાં નવો પુલ બનાવવામાં આવે તેમ પણ એક વર્ગ ઈચ્છી રહ્યો છે.