જામનગરમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં આજે ન્યુઝીલેન્ડ અને યુનિસેફના સભ્યોની એક ટીમ મુલાકાતે આવી હતી અને આ મુલાકાત દરમિયાન કોવિડની કામગીરી તથા બાળકોના વિભાગ અને ઓકસીજન પ્લાન્ટનું નિરીક્ષણ કરી જી.જી. હોસ્પિટલની કોવિડ કામગીરીની સરાહનીય કામગીરી ગણાવી હતી.
ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ અને યુનિસેફના સભ્યોની એક ટીમ આજે જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં આવી હતી. આ ટીમના સભ્યો સાથે સુપ્રિટેન્ડેન્ટ ડો. દિપક તિવારી, મેડીકલ કોલેજ ડીન ડો. નંદીની દેસાઇ, ડો. અજય તન્ના સહિતના તબીબો ઉપસ્થિત રહ્યાં હતાં અને આ ટીમે જી.જી.હોસ્પિટલના જુદા જુદા વિભાગોમાં થતી સારવાર તથા કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. તેમજ ખાસ કરીને જી. જી. હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ હતું અને કોવિડ મહામારીના સમયમાં જી. જી. હોસ્પિટલમાં કરાયેલી કામગીરીને વખાણી હતી તથા જી. જી. હોસ્પિટલમાં કાર્યરત એવા ઓકસીજન પ્લાન્ટનું નિરીક્ષણ પણ કર્યુ હતું. આ સમગ્ર ટીમ દ્વારા જી. જી. હોસ્પિટલના વિભાગોનું અને સારવારોનું નિરીક્ષણ કરી ઉચ્ચ તબીબી અધિકારીઓ સાથે બેઠક અને ચર્ચા-વિચારણા કરી હતી. આ ટીમની સાથે ગુજરાત સરકારના પ્રતિનિધિઓ પણ આવ્યાં હતાં.