જામનગર શહેરમાં શ્રાવણ માસના બીજા સોમવારે વહેલીસવારથી શિવાલયોમાં શિવભકતોની ભારે ભીડ જામી હતી. વહેલીસવારથી જ ભોળાનાથને રિઝવવા શિવભકતો અધિરા બન્યા હતાં. જામનગરના અનેક નાના મોટા શિવાલયોમાં શિવભકતો દ્વારા શ્રાવણના બીજા સોમવારે જળાભિષેક, દૂગ્ધાભિષેક સહિતના ધાર્મિક આયોજનો થકી શિવજીની ભકિત કરી હતી. શિવાલયોમાં આજે ભકતોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી.
‘છોટી કાશી’ના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં નાગમતી નદીના કાંઠે આવેલા પૌરાણિક સિધ્ધનાથ મહાદેવ મંદિર,ઉપરાંત મધ્યમાં આવેલા ભીડભંજન મહાદેવ મંદિર, તેમજ નાગેશ્ર્વર મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્ર્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, ગૌરીશંકર મહાદેવ મંદિર સહિતના નાના-મોટા અનેક શિવાલયોમાં આજે શ્રાવણ માસના બીજા સોમવારે પણ ભોળાનાથ ને રિઝવવા માટે અનેક શિવભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. શહેરના મોટા ભાગના શિવાલયના દ્વારે આજે પણ વહેલી સવારથી જ શિવભક્તોની કતાર જોવા મળતી હતી, અને હાથમાં ફૂલ, બિલ્લીપત્ર, દૂધ તેમજ શીતળ જલ સહિતની પૂજા સામગ્રી સાથે ભોળાનાથ ને નમન કરવા માટે જોડાયા હતા, અને હર હર ભોલે ના નાદ સાથેનો ઘંટનાદ જોવા મળ્યો હતો. અને શિવભક્તોના ઘોડાપુર ઊંમટી પડ્યા હતા.
શિવભક્તોમાં આ વખતે અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે, અને શ્રાવણ માસનો બીજો સોમવાર પ્રત્યેક શિવાલયોમાં હકીકતે શિવમય બનેલો જોવા મળ્યો હતો. શહેરના મોટાભાગના શિવાલયોના દ્વારે ભીડ ન થાય તેના ભાગરૂપે તેમજ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય, તે માટે જામનગરના પોલીસ તંત્ર દ્વારા પણ વ્યવસ્થા ગોઠવાઈ છે, અને પ્રત્યેક શિવાલયોના દ્વારે પોલીસના જવાનો તેમજ હોમગાર્ડના જવાનો, ટ્રાફિક શાખાની ટીમ વગેરે ને તૈનાતમાં મૂકી દેવાયા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ પ્રત્યેક શિવાલયો ના આસપાસના વિસ્તારમાં સફાઈ કાર્ય હાથ ધરી લેવાયું છે.