જામનગર શહેરમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ ઉપરાંત રમજાન મહિનાની ઉજવણીમાં કોઇ ખલેલ ન પહોંચે તેમજ શહેરમાં એકંદરે શાંતિ જળવાઈ રહે તે માટે સિટી એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.
જેમાં હિન્દુ- મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં હિન્દુ સમાજના અગ્રણીઓ ઉપરાંત તાજીયા કમિટી સહિતના મુસ્લિમ સમાજના જુદી-જુદી જ્ઞાતિના આગેવાનો જોડાયા હતા અને શ્રાવણ માસ તેમજ રમજાન મહિના દરમિયાન શહેરમાં ખૂબ જ શાંતિ રીતે સાતમ-આઠમ-અમાસ સહિતના ઉત્સવો તેમજ રમજાન માસ અને મહોરમ સહિતના તહેવારો ઉજવાય તે અંગે ડી.વાય.એસ.પી. ઝાલા દ્વારા જરૂરી માર્ગદર્શન અપાયું હતું. સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ.એમ. જે. જલુ દ્વારા પણ વિશેષ માર્ગદર્શન આપી સમગ્ર શ્રાવણમાસ અને રમઝાન મહિના દરમિયાન પોલીસ બંદોબસ્ત જાળવવા અંગેની જાણકારી આપી હતી.
સીટી-બી પોલીસ સ્ટેશન ખાતે પણ શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં નાયબ પોલીસ અધિક્ષક દેસાઇ, સીટી-બી પીઆઇ કે.જે. ભોઇએ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.