જામનગરમાં ભૂતિયા બંગલાના ખાડા તરીકે ઓળખાતા માનવભક્ષી ખાડાને તાકીદે બુરી દેવા માટે પૂર્વ મેયર કનકસિંહ જાડેજાએ માંગણી કરી છે. છેલ્લાં 13 વર્ષથી જામ્યુકોનું તંત્ર આ ખાડા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યું છે. 13-13 વર્ષથી સંબંધિત સત્તાવાળાઓએ આ જોખમી ખાડા અંગે જમીન માલિક કે બિલ્ડરને નોટિસ આપવાની તસ્દી પણ લીધી નથી.
પૂર્વ મેયર કનકસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, જામનગર શહેરમાં ભૂતિયા બંગલા તરીકે ઓળખાતી ગાંધીનગર રોડ પર આવેલી જગ્યામાં છેલ્લાં 13 વર્ષ પહેલાં કોઇ બિલ્ડર દ્વારા કામ શરૂ કરવામાં આવેલ. આ કામગીરી દરમિયાન અંદાજિત 40 ફુટ જેટલું ઉંડું ખોદાણ કરી મોટા તળાવ જેવો ખાડો ખોદી તેમાં કોલમ બીમ ઉભા કરવામાં આવ્યાં હતાં. કોઇપણ કારણોસર બિલ્ડર દ્વારા પ્રોજેકટને બંધ કરી દેવામાં આવ્યા બાદ આજ દિવસ સુધી આ જગ્યામાં કોઇપણ જાતની કામગીરી કરવામાં આવેલ નથી. તેના કારણે બિલ્ડર દ્વારા ખોદવામાં આવેલ ખાડો આજે પાણીથી ભરેલ તળાવ બની ગયો છે.
આ પ્રોજેકટથી મોટામાં મોટું નુકસાન પ્રભુકૃપા સોસાયટીના રહીશોને થઈ રહ્યું છે. આની વ્યવસ્થા ત્યાંના રહેવાસીઓ, મતદારોને કોઇ પુછે તો ખબર પડે. અનેક વખત ટીવી, પ્રિન્ટ મીડિયામાં આ અંગે રજૂઆતો કરવા છતાં સમસ્યાઓનું કોઇ નિરાકરણ આવેલ નથી. જયારે પહેલીવખત 78 વિધાનસભાના ધારાસભ્ય તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ચૂંટાયા હતાં ત્યારબાદ ગાયત્રી મંદિર ગાંધીનગર ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવેલ તે વેળાએ પ્રભુકૃપા સોસયાટીના સ્થાનિક દ્વારા રજૂઆત કરવામાં આવેલ તે વાતને આજે સાત વર્ષ જેવો સમય થઈ ગયો પરંતુ કોઇ સંતોષકારક કામગીરી કરવામાં આવી નથી.
ચોમાસાની સીઝનમાં જેમ જર્જરિત મકાનોની સર્વે કરી તોડી પાડવાની પ્રક્રિયા કરવામાં આવે છે તો શહેરની વચ્ચે આવેલ મોતનો આ 40 ફૂટ ઉંડો ખાડાનો કેમ ઉકેલ લાવી શકતા નથી? 13 વર્ષની અંદર અંદાજિત સાત જેટલા લોકો આ ખાડામાં મૃત્યુ પામ્યા છે. ત્યારે આ માનવ જીંદગીઓને હડપ કરતા ખાડામાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, કલેકટર કે કમિશનર દ્વારા જે તે વિભાગને નિંદ્રામાંથી જગાડી તાત્કાલિક અસરથી આ ખાડાને બંધ કરાવવો જરૂરી છે.