આગામી 13થી 15 ઓગસ્ટ સુધી યોજાનારા ઘર-ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે જામ્યુકો રૂા. 50.20 લાખના ખર્ચે ધ્વજ ખરીદશે. જ્યારે પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાનારા આગામી શ્રાવણી મેળામાં જન્માષ્ટમીના દિવસે સાંસ્કૃત્તિક કાર્યક્રમ યોજાશે. 15મી ઓગસ્ટની પૂર્વસંધ્યા ચાંદીબજારના ચોકમાં જામ્યુકોના તંત્ર દ્વારા દેશભક્તિના ગીતોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ચેરમેન મનિષ કટારીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 12.34 કરોડના જુદા જુદા વિકાસકામોના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. જેમાં 15માં નાણાપંચની ગ્રાન્ટ અન્વયે ફાયર શાખા માટે રૂા. 3.16 કરોડના ખર્ચે સાત વાહનો તથા રૂા. 42 લાખના ખર્ચે બે રેસ્ક્યૂ બોટ ખરીદવા મંજૂરી આપવામાં આવી છે. જ્યારે શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં મજબૂતિકરણ માટે રૂા. 20 લાખના ખર્ચે મંજૂરી અપાઇ હતી. જામનગરમાં ગ્રેઇન માર્કેટ પાસે આવેલા ત્રણ દરવાજાના રેસ્ટોરેશન, કન્ઝર્વેશન અને મજબૂતિકરણ તેમજ રણમલ તળાવની ફરતે આવેલા તમામ ઝરુખાઓ અને ખંભાળિયા ગેઇટના દરવાજાને રિકોટીંગ અને મજબૂતિકરણ કરવાના કામને સ્વિકૃતિ આપવામાં આવી હતી.
બેઠકમાં શહેરના જુદા જુદા ઝોનમાં સિમેન્ટ રોડ, સીસી બ્લોક તેમજ અન્ય માળખાકીય સુવિધાઓ માટેના કામને પણ મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓની મુદ્તમાં વધારો મંજૂર કરાયો હતો. વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં જામ્યુકોના છ કર્મચારીઓનું સ્થાયી સમિતિ દ્વારા સન્માન કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી. આજની બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, કમિશનર ખરાડી, ડીએમસી વસ્તાણી, એએમસી ડી.જે. પંડયા તેમજ જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


