જામનગરમાં લમ્પી વાયરસથી થતાં ગાયોના મોત અને સારવારના અભાવ તથા યોગ્ય રીતે અંતિમ સંસ્કાર ન થવા સહિતના મુદ્દે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ લાલબંગલા સર્કલ ખાતે એક કલાક ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં લમ્પી રોગ ગાયોની યોગ્ય રીતે સારવાર થતી ન હોય, તેમજ લમ્પીગ્રસ્ત ગાયોના મૃતદેહનો આડેધડ નિકાલ કરાતો હોવાની ફરીયાદો ઉઠી હતી જેને લઇને ગઇકાલે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા, વિપક્ષ નેતા આનંદ રાઠોડ તથા કોંગી નગરસેવક ધવલ નંદા દ્વારા ઠેબા ચોકડી પાસે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં માત્ર ખાડો કરીને લમ્પીથી મૃત્યુ પામેલી ગાયોના મૃતદેહોને મીઠુ નાખ્યા વગર આડેધડ નિકાલ કરવામાં આવતો હોવાનું કોંગી આગેવાનોએ જણાવ્યું હતું. જેને લઇ લમ્પી વાયરસથી થતાં મોત સહીતના મુદ્દાઓ અંગે આજરોજ જામનગર કોંગ્રેસ દ્વારા લાલબંગલા ખાતે એક કલાકના ધરણા કરવામાં આવ્યા હતાં.
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, વિરોધપક્ષ નેતા આનંદ રાઠોડ, કોર્પોરેટરો નુરમામદ પલેજા, ધવલ નંદા જેનબબેન ખફી, રચનાબેન નંદાણીયા, કોંગી અગ્રણી સાજીદ બ્લોચ, રંજનબેન ગજેરા સહીતના કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.