હોન્ડુરાસની ઉત્તર મધ્યમાં યોરોની નજીક ગરીબી અને બેરોજગારીથી પીસાતું લા યુનિયન ગામ છે.થોડા ઘણા પ્રમાણમાં થતી મકાઇ અને કઠોળની ખેતી તેમનો ખોરાક છે.જો કે આ વિસ્તારમાં રહેતા લોકો સાથે દર વર્ષે ચોમાસામાં અજબ ઘટના બને છે. વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડે ત્યારે આંગળી જેટલી બ્રાઉન કલરની હજારો માછલીઓ પડે છે.સૌથી નવાઇની વાત તો એ છે કે વરસાદ પડે ત્યારે આવતા પૂરમાં પણ આ માછલીઓ હોય છે.
જયારે વરસાદ બંધ થાય અને પૂર ઓસરી જાય ત્યારે માછલીઓ પણ ગાયબ થઇ જાય છે.વર્ષોથી ચાલતી આ પ્રક્રિયામાં માછલીઓ જમીન પરથી નહી પરંતુ વરસાદમાં જ હોય છે. આ વિસ્તારના ગરીબ લોકોનું માનવું છે કે ભગવાન વરસાદની સાથે ખોરાક પણ મોકલે છે. આ માછલીઓને લોકો ખોરાક તરીકે પણ ઉપયોગમાં લે છે. ઘણા તો વરસાદના પાણી કરતા તો માછલીઓની વધારે રાહ જોતા હોય છે. આ ઘટના અંગે સ્થાનિક લોકો માને છે કે અહીં 18 મી સદીમાં સ્પેનિશ વસાહત હતી ત્યારે એક ધર્મપ્રેમી ખ્રિસ્તી સંતે આ ગરીબ વિસ્તારના લોકોને ખોરાક મળે તેવી પ્રાર્થના કરી હતી ત્યારથી માછલીઓ પડવા લાગી છે.