ઇડી દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછ કરવામાં આવતાં જામનગર કોંગ્રેસ દ્વારા ઇડીના વિરોધમાં જામનગર શહેરમાં ઇન્કમટેકસ ઓફિસ સામે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડી દ્વારા કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેને લઇ કોંગ્રેસમાં વિરોધ છવાયો છે. સરકાર દ્વારા પુરાવા કે, આધાર વિના ઇડીનો રાજકીય કિન્નાખોરી માટે દુરઉપયોગ કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા ધરણા વિરોધ કરાયો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના આદેશ અનુસાર જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ જામનગર શહેરમાં ઇન્કમટેક્સ ઓફિસ પાસે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતાં. જેમાં કોર્પોરેટર જેમબબેન ખફી, રચનાબેન નંદાણિયા, યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, એનએસયુઆઇ પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, ઉપરાંત કર્ણદેવસિંહ જાડેજા, સાઝિદ બ્લોચ, એ.કે. મહેતા, આનંદ ગોહિલ, ભીખુભાઇ વારોતરીયા સહિતના કોંગ્રેસના હોદ્ેદારો, અગ્રણીઓ ધરણામાં જોડાયા હતાં. કોંગ્રેસના કાર્યકરો, હોદ્ેદારો દરમિયાન ઇન્કમટેકસ ઓફિસના દરવાજા બંધ કરવાના પ્રયાસ કરવામાં આવતા પોલીસ દ્વારા ધરણા-પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસી કાર્યકરો માર્ગ પર બેસી જતાં ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાતા પીએન માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.