સોશિયલ મીડિયામાં મહિલાનું ફેક આઇડી બનાવીને મિત્રતા કર્યા પછી નકલી વકીલ અને નકલી પોલીસ બનીને સિનિયર સિટિઝનોને બ્લેકમેલ કરવાના પ્રકરણમાં જામનગરની સાઇબર ક્રાઇમ સેલની ટીમે ખંભાળિયાની એક હોટલ મેનેજરને ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરી અને તેના એક અન્ય સાગરીતની શોધખોળ હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ સોશિયલ મીડિયાના માધ્યમથી સિનિયર સિટીઝનોને ફેસબુક ઉપર હીના પટેલના નામની આઇડી બનાવી મિત્રતા કરી વાતચીત કરવા માટે ઓડીયો કોલ કરીને વાતચીતનો ઓડીયો-વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી સિનિયર સિટીઝન પાસેથી નાણાં પડાવી બ્લેકમેલ કરવામાં આવતા હોવાનું જણાતા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી પી ઝા, પીએસઆઇ અ.આર. રાવલ, હેકો ભગીરથસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, પો.કો. કલ્પેશ મૈયડ, એએસઆઈ ડી.જે. ભુસા, ચંપાબેન વાઘેલા, ધર્મેશ વનાણી, રાજેશ પરમાર, રાહુલ મકવાણા, જેસા ડાંગર, રંજનાબેન વાઘ, વિકી ઝાલા, પુજાબેન ધોળકિયા, ગીતાબેન હિરાણી, ચંદ્રિકાબેન ચાવડા, નીલમબેન સીસોદીયા, અલ્કાબેન કરમુર સહિતના સ્ટાફે સિનિયર સિટીઝન સાથે મિત્રતા કેળવ્યા પછી મહિલાના પતિ સાથે છૂટાછેડા લેવા માટે વકીલના ખર્ચના પૈસાની માંગણી કરી અને તેનો પણ વિડીયો વાયરલ થશે તેવી ધમકી આપી બ્લેકમેલ કરાતું હતું. સાથોસાથ નકલી પોલીસ ઇન્સ્પેક્ટર બનીને પણ મોબાઈલ ફોન કરી ડરાવી ધમકાવી બ્લેકમેલ કરતો હતો. આવી જ એક ફરિયાદ સિનિયર સિટીઝન દ્વારા કરવામાં આવી હતી કે સોશિયલ મીડિયાના માધ્યમથી હીના પટેલ નામના કોઈ પણ વ્યક્તિએ તેઓ સાથે મિત્રતા કેળવ્યા પછી પતિ સાથે છુટાછેડાના બહાને નકલી વકીલ અને નકલી પોલીસ અધિકારીના ફોન કરાવી ધમકાવી 1.25 રૂપિયાની માંગણી કરી અને 75 હજાર રૂપિયામાં પતાવટ કરવા જણાવ્યું હતું. સાયબર ક્રાઇમ સેલની ટીમે સોશિયલ મીડિયાના એનાલિસિસ કરી તપાસનો દોર ખંભાળિયા સુધી લંબાવી હતી અને એક હોટલના મેનેજર જતીન લાભશંક2ભાઈ પંડ્યા (રહે. રામનાથ સોસાયટી, ખંભાળિયા) અટકાયત કરી લઈ પૂછપરછ હાથ ધરવામાં આવતા આ પ્રકરણની કબુલાત આપી દીધી હતી. તેમજ જતિને હીના પટેલના વોઇસમાં ફોન કરી ફેસબુકમાં પોતે હીના પટેલ ના નામે મિત્રતા કેળવતો હતો. ત્યાર પછી પોતાના પતિને છુટાછેડા આપવા માટે વકીલની ફીના પૈસા માટે દબાણ કરી સિનિયર સિટીઝનને બ્લેકમેલ કરતો હોવાનું કબૂલ્યું હતું. સાથોસાથ જરૂર પડયે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી તરીકે પણ પોતે જ ફોન કરીને ડરાવી ધમકાવી પૈસા માંગતો હતો. જેમાં તેના એક સાગરીતની પણ મદદ લેતો હતો. આખરે તેની સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધી ધરપકડ કરી તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. ઉપરાંત તેના એક સાગરિતની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.