જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રવાસી શિક્ષકોની ભરતીમાં મામકાવાદ અપનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્ય અને પૂર્વ વિપક્ષી નેતા વકીલ આનંદ ગોહિલે કર્યો છે. તેમણે સમગ્ર ભરતી પ્રક્રિયાની વિજિલન્સ તપાસ કરવા માગણી કરી છે. મ્યુ. કમિશનરને કરેલી રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની ભરતી માટે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી હતી અને નિયમ મુજબ શાળાના આચાર્યની બનેલી કમિટીએ શિક્ષકોની ભરતી કરવાની હતી. પરંતુ સમિતિના સત્તાધિશોએ નિયમ વિરુધ્ધ 29 જેટલા સગા-સંબંધીઓની ભરતી કરી લીધી છે. જે ગેરકાયદેસર અને ભ્રષ્ટાચારયુક્ત હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ભરતી પ્રક્રિયાની વિજિલન્સ તપાસ કરી ભરતી રદ્ કરવા માગણી કરવામાં આવી છે.
બીજીતરફ શિક્ષણ સમિતિના અધ્યક્ષ મનિષ કનખરાએ વિપક્ષી સભ્યના આક્ષેપોને ફગાવીને સમગ્ર ભરતી પ્રક્રિયા નિયમ મુજબ અને પારર્દશિ હોવાનું જણાવ્યું છે. તેમણે વિપક્ષી નેતાને ખુલ્લી ચેલેન્જ આપતાં જણાવ્યું છે કે, નિયમ વિરુધ્ધ અને લાયકાત વગરના એકપણ શિક્ષક જણાય તો તેઓ સમિતિને જણાવે. તેમણે એમ પણ કહ્યું કે, વિપક્ષી સભ્યએ હવામા તિર ચલાવવાના બદલે નક્કર સબૂત રજૂ કરવા જોઇએ. જો તેઓ સબૂત રજૂ કરશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.