જામનગર જિલ્લામાં કોરોના રસીના બે ડોઝ લઇ ચુકેલા 18 થી 59 વર્ષના 12.15 લાખ નાગરિકો માટે તા.27 સપ્ટેમ્બર સુધી રસીના ત્રીજા પ્રિકોશનરી ડોઝની વ્યવસ્થા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યા બાદ ત્રીજા ડોઝના રસીકરણના પ્રથમ દિવસે જ શહેરના 2894 અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 3374 મળીને કુલ 6268 લોકોએ કોરોનાની રસીનો ત્રીજો ડોઝ લઇ લીધો હતો.
કોરોના મહામારીમાં ભારતના નાગરિકો માટે કોરોના રસીના બે ડોઝ લીધા બાદ ત્રીજા પ્રિકોશનરી ડોઝની સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી અને 18 થી 59 વર્ષ સુધીના બે ડોઝ રસી લીધેલા લોકો માટે જામનગર શહેરમાં 12 આરોગ્ય કેન્દ્રો પર કોવિડ રસીકરણના ત્રીજા પ્રિકોશનરી ડોઝની કામગીરીનો પ્રારંભ દિગ્વીજય પ્લોટ શેરી નં.45 માં આવેલા કોર્પોરેશનના વિશ્રામવાડી આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર બીનાબેન કોઠારી અને કમિશનર વિજયકુમાર ખરાડીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. પ્રથમ રસી લેનારા વ્યકિતઓને મહાનુભાવોએ ફુલ આપ્યા હતાં. બાદમાં શહેરના 12 આરોગ્ય કેન્દ્રો પર સાંજ સુધીમાં કુલ 2894 લોકોએ કોરોનાની રસી લઇ લીધી હતી. આજ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં તમામ તાલુકા મથકો પરના આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટરો પર ત્રીજા ડોઝની વ્યવસ્થા કરવામાં આવ્યા બાદ સવારે 9 થી સાંજે 6 સુધીમાં ગ્રામ્યના 18 થી 59 વર્ષના 3374 નાગરિકોએ કોરોનાની રસીનો ત્રીજો ડોઝ લીધો હતો. આમ ત્રીજા ડોઝના રસીકરણમાં નાગરિકોએ પ્રથમ દિવસે જ સરકારના પ્રયાસને સારો પ્રતિસાદ આપ્યો હતો.