સંયુક્ત રાષ્ટ્રસંઘનો ફૂડ સિક્યુરિટી અહેવાલ રજૂ થયો હતો. એમાં ભારતની સ્થિતિનો ચિતાર પણ આપવામાં આવ્યો હતો. એ પ્રમાણે દેશમાં હજુ ય 22.43 કરોડ લોકો કૂપોષણથી પીડાઈ રહ્યા છે. જોકે, 15 વર્ષમાં સ્થિતિ સુધરી છે. 2006માં દેશમાં 24.78 કરોડ લોકો કૂપોષણથી પીડિતા હતા. બીજી તરફ ભારતમાં મેદસ્વીતા વધી છે. ત્રણ કરોડ લોકો ઓબેસિટીનો શિકાર બન્યા છે.
યુએનનો ફૂડ સિક્યુરિટીનો અહેવાલ રજૂ થયો હતો. એ પ્રમાણે વિશ્ર્વમાં 2020માં કોરોનાના કારણે 4.6 કરોડ લોકો ભૂખમરામાં ધકેલાયા હતા. કોરોનાકાળથી અત્યાર સુધીમાં 15 કરોડ લોકો ભૂખમરામાં ધકેલાયા છે. એ સાથે જ ભૂખમરાનો શિકાર બનેલા લોકોની સંખ્યા વિશ્ર્વમાં 82.8 કરોડે પહોંચી ગઈ છે.
અહેવાલમાં ભારતની સ્થિતિ અંગે કહેવાયું હતું એ પ્રમાણે 15 વર્ષમાં ભારતમાં કૂપોષણનું પ્રમાણ ઘટયું છે, છતાં આજેય 22.43 કરોડ લોકો દેશમાં કૂપોષણથી પીડિત છે. એમાં ત્રણ કરોડ કરતાં વધુ બાળકોની વય પાંચ વર્ષથી નીચેની છે. જોકે, સ્થિતિ 2006ની સરખામણીએ સુધરી છે. 15 વર્ષ પહેલાં ભારતના પાંચ વર્ષથી નીચેની વયના 5.23 કરોડ બાળકો કૂપોષણથી પીડિત હતા.
ભારતમાં કૂપોષણની સમસ્યામાં થોડોક સુધારો થયો છે, પરંતુ સામે ઓબેસિટી વધી છે. વયસ્કોમાં મેદસ્વીતાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. દેશમાં ત્રણ કરોડ કરતાં વધુ લોકો ઓબેસિટીનો શિકાર બન્યા છે. 138 કરોડની વસતિ ધરાવતા દેશમાં 3.43 કરોડ લોકો મેદસ્વી છે. 2012માં દેશમાં 2.52 કરોડ લોકો મેદસ્વી હતા. સ્ત્રીઓમાં લોહીની કમી જોવા મળતી હતી. 2012માં 17.1 કરોડ મહિલાઓના શરીરમાં લોહી ઓછું હતું. એ આંકડો હવે વધીને 18.73 કરોડ થઈ ગયો છે.
કોરોના મહામારી, ગૃહયુદ્ધો, આતંકવાદ, દ્વિપક્ષિય યુદ્ધો વગેરેના કારણે દુનિયામાં ખોરાકની અછત સર્જાઈ છે. દુનિયામાં 230 કરોડ લોકોને પૂરતો ખોરાક મળતો નથી. આફ્રિકામાં 27.8 કરોડ, એશિયામાં 42.પ કરોડ, લેટિન અમેરિકા અને કેરેબિયનમાં 5.65 કરોડ લોકોને ભોજનની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.