જામનગર શહેરમાં રામેશ્ર્વરનગર પાછળના વિસ્તારમાં વીજ સમસ્યા અંગે કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા પીજીવીસીએલ કચેરીએ ધરણાં કર્યા હતાં. અને જયાં સુધી લાઇટ ન આવે કચેરીએ જ રહી ધરણાં કરવાનું જણાવ્યું હતું.
જામનગર શહેરમાં પીજીવીસીએલ દ્વારા દર વર્ષે પ્રિમોનસુન કામગીરીના નામે લાખોનો ખર્ચ કરવામાં આવે છે. પરંતું પ્રજાના નાણાં વ્યર્થ થતાં હોય તેમ સામાન્ય છાટાં પડે ત્યાં વિજળી ગુલ થઇ જવાની ઘટના અવાર-નવાર બનતી હોય છે. જામનગર શહેરના રામેશ્ર્વરનગર પાછળના વિસ્તારમાં કલાકોથી વિજળી ગુલ હોય લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં.જેને લઇ વોર્ડ નં.4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા નાયબ ઇજનેની કચેરી પીજીવીસીએલ પટેલ કોલોની પેટા વિભાગય કચેરી ખાતે ધરણાં કરવામાં આવ્યા હતાં. વિજળી ગુલ થવાની સાથે પાછી કયારે આવશે તે અંગે પીજીવીસીએલ દ્વારા યોગ્ય જવાબ પણ અપાતા ન હોય લોકોમાં રોષની લાગણી છવાઇ હતી. સવારથી વિજળી ગુલ હોય જેટકોની કામગીરી ચાલુ હોવાની જણાવી વિજળીના ધાધિયાને પગલે જયાં સુધી લાઇટ ન આવે ત્યાં સુધી ધરણાં પર બેસવાનું રચનાબેને જણાવ્યું હતું.