દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંક્રમણના કારણે પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી ગઈ છે. જેમાં શુક્રવારે સંક્રમણ વકરતા સાત નવા પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જ્યારે જામનગર શહેરમાં કોરોના સંક્રમણમાં આંશિક ઘટાડો જોવા મળતા માત્ર ચાર પોઝિટિવ કેસ નોંધાયા હતાં અને ગ્રામ્ય વિસ્તારમાં પણ એક પણ કેસ ન નોંધાતા તંત્રએ રાહત અનુભવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસો વધી રહ્યા છે. ગઈકાલે શુક્રવારે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા કુલ 496 ટેસ્ટ પૈકી દ્વારકા તાલુકામાં સાત નવા પોઝિટિવ નોંધાયા છે. જો કે જિલ્લાના અન્ય ત્રણ તાલુકામાં એક પણ નવો દર્દી નોંધાયો નથી. આ વચ્ચે ત્રણ દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. લાંબા સમય બાદ એક સાથે અને તે પણ દ્વારકા તાલુકામાં જ સાત નવા કેસથી ચિંતા સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા દિવસોમાં દ્વારકા જિલ્લામાં એક ડઝનથી વધુ નવા કેસો નોંધાઈ ચૂક્યા છે.
જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસથી કોરોનાના કેસમાં ધરખમ વધારા બાદ તેમાં ઘટાડો જોવા મળ્યો છે અને જામનગર શહેરના માત્ર ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગરના ગુલાબ નગર રામવાડી વિસ્તારમાં રહેતા બાવીસ વર્ષના યુવાન, શરૂ સેક્શન રોડ પર રહેતા 45 વર્ષના યુવાન અને ખડખડનગર વિસ્તારમાં રહેતા 65 વર્ષના વયોવૃદ્ધના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. જ્યારે જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 10 માં રહેતી 47 વર્ષની મહિલા નો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જે ચારેય ને હાલ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેઓના પરિવારજનોના સેમ્પલો લેવામાં આવ્યા છે. ચારેય વ્યક્તિ દ્વારા વેક્સિનના બન્ને ડોઝ પૂર્ણ કરી લેવાયા છે. જામ્યૂકો નું આરોગ્ય તંત્ર તમામ વિસ્તારોમાં આરોગ્ય વિષયક પગલાં ભરી રહ્યું છે. જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના મામલે રાહતના સમાચાર છે અને કોરોનાના કેસનો આંકડો શૂન્યનો રહ્યો છે.