મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ટ્રેન નંબર 20913/20914 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસને થાન સ્ટેશન પર અને ટ્રેન નંબર 19568 ઓખા-તુતીકોરીન વિવેક એક્સપ્રેસને સુરેન્દ્રનગર સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે છ મહિના માટે વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય કર્યો છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, 30મી જૂનથી ઉપડનારી ટ્રેન નંબર 20913 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસને થાન સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આથી આ ટ્રેન થાન સ્ટેશને 15.59 કલાકે પહોંચશે અને 16.01 કલાકે ઉપડશે. એ જ રીતે, 01 જુલાઇ, 2022 થી ઉપડનારી ટ્રેન નંબર 20914 દિલ્હી સરાય રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ થાન સ્ટેશન પર 07.35 કલાકે આવશે અને 07.37 કલાકે ઉપડશે.
આ ઉપરાંત 1 જુલાઈથી ઉપડનારી ટ્રેન નંબર 19568 ઓખા-તુતીકોરીન વિવેક ને સુરેન્દ્રનગર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યો છે. આથી આ ટ્રેન સુરેન્દ્રનગર સ્ટેશને 07.14 કલાકે આવશે અને 07.16 કલાકે ઉપડશે. તેવી જ રીતે, 03 જુલાઈ, 2022થી ઉપડનારી ટ્રેન નંબર 19567 તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ સુરેન્દ્રનગર સ્ટેશન પર 20.25 કલાકે આવશે અને 20.27 કલાકે ઉપડશે.
ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, રાજ્ય મંત્રી, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, આયુર્વેદ, યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા મંત્રાલય, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (આયુષ) ઉપરોક્ત બંને ટ્રેનોના સ્ટોપેજનું વર્ચ્યુઅલ રીતે ઈ-શુભારંભ કરશે.