- Advertisement -
ખંભાળિયામાં છેલ્લા ઘણા સમયથી કાર્યરત “સખી વન સ્ટોપ સેન્ટર” પર ખંભાળિયા મહિલા પોલિસ સ્ટેશન દ્વારા તાજેતરમાં અરજદાર એવા એક મહિલાને આશ્રય માટે લાવવામાં આવ્યા હતા. આ મહિલાના લગ્નના પાંચ વર્ષના આ સમયગાળામાં તેણીને ચાર વર્ષની પુત્રી છે. હાલ આ મહિલા સગર્ભા હોય અને તેણીના પતિને દારૂનું વ્યસન હોવાથી નાની-નાની વાતો પર ઝઘડા કરી, દારૂ પીને મારપીટ કરતા હતા. આટલું જ નહીં પતિ પોતાની પત્નીને ઘરખર્ચ માટે પૈસા પણ આપતા નહોતા. તાજેતરમાં પતિએ દારૂ પી પીધેલી હાલતમાં પોતાની પત્ની સાથે બહેન સાથે ઝઘડો કરી, મારપીટ કરી હોવાથી આ મહિલા અહીંના મહિલા પોલિસ સ્ટેશનમાં પતિ વિરુધ્ધ ફરીયાદ નોંધાવવા માટે આવી હતી. મહિલા પોલિસ સ્ટેશન ખાતે આશ્રય માટે મહિલા પોતાની ચાર વર્ષની પુત્રી સાથે સેન્ટર પર આવી હતી.
આ સેન્ટરની કાર્યવાહી દરમિયાન અરજદાર મહિલાને સેન્ટર પર એક દિવસનો આશ્રય આપવામાં આવ્યો હતો. અહીં તેણીના કાઉન્સેલીંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેણી છેલ્લા ચારેક વર્ષથી એચ.આઇ.વી. પોઝિટીવ હોય અને થોડા મહિના સમયસર દવા લીધી હતી. પરંતુ પતિ અંધશ્રધ્ધામાં માનતા હોય, જેથી દવા લેવાની ના પાડી દેતો હતો. છેલ્લા આશરે ત્રણ વર્ષથી સમયસર દવા ન લેવાના કારણે મહિલાની તબિયત સારી રહેતી ન હતી. છેલ્લા બે મહિનાથી જામનગર જી.જી. હોસ્પીટલ ખાતેથી દવા લેવાતી હોય, તેણીને દ્વારકા જિલ્લાના મહિલા અને બાળ અધિકારી ડો. સી.ડી. ભાંભી અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પી.પી. જાદવના માર્ગદર્શન હેઠળ સમયસર દવા લેવા માટે સમજાવવામાં આવ્યું હતું. જામનગરમાં કાર્યરત વિહાન પ્રોજેકટના સ્ટાફ સાથે સંકલન કરી, મહિલાને મળતી તબીબી સહાય બાબતે વાતચીત કરી, તેણીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેસ મહિલા પોલિસ સ્ટેશનના પી.આઇ. મકવા દ્વારા રીફર કરવામાં આવ્યો હતો. જેમા તેણીને જરૂરી તમામ મદદ પુરી પાડી ”સખી“ વન સ્ટોપ સેન્ટર અને મહિલા પોલિસ સ્ટેશનના પ્રયત્નથી તેણીનું કુંટુંબમાં પુન: સ્થાપન કરાવમાં આવ્યું હતું.
- Advertisement -