લોકસભાની પેટા ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં યુપીમાં ભાજપે મોટી ઉલટફેર નોંધાવી છે કારણ કે સમાજવાદી પાર્ટીનો ગઢ મનાતી લોકસભાની આ બંને બેઠકો પર ભાજપે જોરદાર દેખાવ કર્યો છે. તેમાં પણ રામપુર બેઠક માટેનું પરિણામ જાહેર થઈ ગયુ છે અને આ બેઠક પર ભાજપના ઉમેદવાર ઘનશ્યામ સિંહ લોધીએ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આસીમ રજાને 42,000 મતોથી પરાજય આપ્યો છે.
આ બેઠક સપા નેતા આઝમ ખાનનો ગઢ મનાય છે. 2019માં રામપુર લોકસભા બેઠક પર આઝમ ખાન જ ચૂંટણી લડ્યા હતા અને 2022માં તેઓ વિધાનસભા ચૂંટણી લડીને આ મત વિસ્તારમાંથી જિત્યા હતા. ધારાસભ્ય બન્યા બાદ તેમણે સાંસદ તરીકે રાજીનામુ આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. જેના પર તેમણે પોતાના સમર્થક આસીમ રજાને ઉતાર્યા હતા. આઝામ ખાન પોતે જ પ્રચાર કરી રહ્યા હતા છતા પણ આ બેઠક સપાએ ગુમાવી છે.આઝમગઢમાં બીજેપી ઉમેદવાર અભિનેતા દિનેશ લાલ યાદવ નિરહુઆ પણ જીત્યા. તેમણે સપાના ઉમેદવાર ધર્મેન્દ્ર યાદવને 8,679 મતોથી હરાવ્યા. શિરોમણી અકાલી દળ (અમૃતસર) ના સિમરનજીત સિંહ માન પંજાબના સંગરુરમાં 5,822 મતોની સરસાઈથી જીત્યા. આમ આદમી પાર્ટીના ગુરમેલ સિંહ બીજા ક્રમે જ્યારે કોંગ્રેસના દલવીર ગોલ્ડી ત્રીજા ક્રમે છે. અહીં અકાલી દળ અને ભાજપના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. વિધાનસભાની સાતેય બેઠકોના પરિણામો પણ જાહેર થઈ ગયા છે. આ બેઠકો પર 23 જૂને મતદાન થયું હતું. જેમાં AAPએ દિલ્હીની રાજેન્દ્ર નગર સીટ પર જીત મેળવી છે. તે જ સમયે, ત્રિપુરામાં ભાજપે 4માંથી 3 અને કોંગ્રેસે 1 બેઠક પર જીત મેળવી છે. YSR કોંગ્રેસે આંધ્રપ્રદેશની આત્મકુર સીટ પર જીત મેળવી છે. ઝારખંડની મંદાર સીટ કોંગ્રેસે જીતી લીધી છે.