છેલ્લા કેટલાક દિવસોથી ભયાનક પૂરનો સામનો કરી રહેલા આસામના લોકોને મદદ પહોંચાડવા માટે રિલાયન્સ ફાઉન્ડેશને શુક્રવારે મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, “આ મુશ્કેલીના સમયમાં આસામના લોકોની પડખે રહેવા બદલ શ્રી મુકેશ અંબાણી અને શ્રી અનંત અંબાણીનો હું ખૂબ જ આભાર માનું છું. પૂરના કારણે ઊભી થયેલી મુશ્કેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટેના રાહત કાર્યોને વેગ મળશે.”
લગભગ મહિનાથી કરવામાં આવેલા રાહત કાર્યો બાદ મુખ્યમંત્રી રાહતફંડમાં યોગદાન આપવામાં આવ્યું છે અને રિલાયન્સ ફાઉન્ડેશન રાજ્ય સરકાર અને નાગરિક સમાજ સંગઠનો સાથે મળીને આસામમાં રાહત કાર્યોને સતત જારી રાખવામાં આવશે.
પૂરની પરિસ્થિતિનો ખ્યાલ આવતાંની સાથે જ ફિલ્ડ પરની એક ટીમ સાથે રિલાયન્સ ફાઉન્ડેશને આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને રાષ્ટ્રીય આરોગ્ય મિશન, પશુપાલન અને પશુચિકિત્સા વિભાગ, જિલ્લા વહીવટીતંત્રો અને અન્ય નાગરિક સમાજ સંસ્થાઓ સાથે હાથ મિલાવ્યા હતા અને રાહત પૂરી પાડવા અને પૂરને કારણે થતી તકલીફને દૂર કરવા માટેનું પ્રયાસોને ઝડપી બનાવવામાં યોગદાન પૂરું પાડ્યું હતું.
કચર જિલ્લામાં રિલાયન્સ ફાઉન્ડેશન સિલચર, કાલૈન, બોરખોલા અને કટીગોરહ બ્લોકમાં તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવેલા રાહત કાર્યોમાં મદદ કરી રહ્યું છે. જ્યારે નાગાંવ જિલ્લાના કાઠિયાટોલી, રાહા, નાગાંવ સદર અને કામપુર બ્લોકમાં પણ રાહત કામગીરી કરવામાં આવી રહી છે.
મેડિકલ કેમ્પ યોજાઈ રહ્યા છે અને ઈમરજન્સી રાહત કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, રાજ્યમાં અઠવાડિયાના અવિરત વરસાદ પછી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં આવતાં કચર અને નાગાંવ જિલ્લાઓમાં સંખ્યાબંધ પશુધન શિબિરો પણ યોજવામાં આવી રહી છે. 1 જૂનના રોજ શિબિરોની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 1,900થી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે અને પૂરને કારણે ઊભા થતા વિવિધ સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરવા માટે સારવાર આપવામાં આવી રહી છે. પશુધન કેમ્પમાં 10,400થી વધુ પ્રાણીઓની સારવાર કરવામાં આવી છે.
તબીબી શિબિરોની સાથે, રિલાયન્સ ફાઉન્ડેશન ઘરેલુ સ્તરે તાત્કાલિક રાહત પૂરી પાડવા માટે સૂકા રાશન અને સ્વચ્છતા જરૂરિયાતો પૂરી કરવા માટેની રાહત કીટનું વિતરણ કરી રહ્યું છે. આજદિન સુધીમાં 5,000 ઘરોને કીટ આપવામાં આવી હતી.
વર્ષ 2021માં રિલાયન્સ ફાઉન્ડેશને આઠ આપત્તિઓ, મુખ્યત્વે ચક્રવાત અને પૂરથી પ્રભાવિત વિવિધ રાજ્યોમાં રાહત પ્રયાસોમાં યોગદાન આપ્યું હતું, જેમાં રાહતની સાથે-સાથે આપત્તિ પહેલા અને પછીના જાગૃતિ અભિયાનનો સમાવેશ થાય છે અને તેમાં ગત વર્ષે 1.7 લાખથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા હતા.