આગામી મહિને યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપે આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મુને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. તો બીજી તરફ વિપક્ષોએ દેશના પૂર્વ નાણાંમંત્રી યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદ માટે મેદાનમાં ઉતાર્યા છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે વિપક્ષ પછી હવે ભાજપના નેતૃત્વમાં એનડીએએ પણ તેના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવારની પસંદગી માટે મંગળવારે નવી દિલ્હીમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી પક્ષપ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું કે, ઝારખંડના ભૂતપૂર્વ ગવર્નર અને આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મૂ એનડીએ તરફથી રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર હશે. સંસદીય બોર્ડની બેઠકમાં અંદાજે 20 નામો પર ચર્ચા થઈ હતી અને દ્રૌપદી મુર્મૂના નામ પર સંમતી સધાઈ હતી. ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂનું નામ અગાઉ પણ રાષ્ટ્રપતિપદના ઉમેદવારની રેસમાં ચર્ચાયું હતું. જેપી નડ્ડાએ કહ્યું કે, દેશને પહેલી વખત આદિવાસી સમાજમાંથી એક રાષ્ટ્રપતિ આપવાની પક્ષની તૈયારી છે. આ વખતે પૂર્વીય ભારતમાંથી કોઈને તક આપવા અંગે સંસદીય બોર્ડમાં સહમતી બની હતી. અમે એ અંગે પણ વિચાર કર્યો કે દેશને હજી સુધી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળ્યા નથી. એવામાં બેઠક પછી દ્રૌપદી મુર્મૂના નામ પર બેઠકમાં સર્વસંમતી સધાઈ હતી.
મુર્મૂ રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતી જશે તો ભારતના ઈતિહાસમાં તેઓ પહેલાં આદિવાસી રાષ્ટ્રપતિ બનશે. ઉપરાંત તેઓ ચૂંટણી જીતી જાય તો પ્રતિભા પાટિલ પછી દેશનાં બીજા મહિલા રાષ્ટ્રપતિ બનશે. દ્રૌપદી મુર્મૂ ઝારખંડનાં પહેલા મહિલા ગવર્નર હતા. તેઓ ઓડિશાનાં પહેલા એવા મહિલા આદિવાસી નેતા છે, જેમને કોઈ રાજ્યમાં ગવર્નર બનાવાયા હોય અને તેમણે કાર્યકાળ પૂરો કર્યો હતો. દ્રૌપદી મુર્મૂનું જીવન ઘણું જ સંઘર્ષમય રહ્યું છે. તેઓ એક અત્યંત ગરીબ આદિવાસી પરિવારમાં પેદા થયાં હતા. તેમણે રૈરંગપુરના અરબિંદો ઈન્ટિગ્રલ એજ્યુકેશન સેન્ટરમાં પગાર વિના જ શિક્ષિકા તરીકે કામ કર્યું હતું. તેમણે રાજકીય કારકિર્દી રૈરંગપુર એનએસીના વાઈસ ચેરમેન તરીકે શરૂ કરી હતી. તેમને ઓડિશા વિધાનસભામાં 2007માં સર્વશ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે નીલકંઠ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાએ જણાવ્યું હતું કે, હતું કે મમતાજીએ TMCમાં તેઓને જે માન આપ્યું છે અને પ્રતિષ્ઠા પણ આપી છે તે માટે હું તેઓનો આભારી છું હવે સમય એવો આવ્યો છે કે રાષ્ટ્રનાં બૃહદ હિત માટે મારે પક્ષથી અલગ થઇ જવું જોઇએ. જે વિપક્ષોની વિશાળ એકતા માટે પણ અનિવાર્ય છે. આમ તેઓએ આજે (મંગળવારે) સવારે તેમના ટ્વિટ ઉપર જણાવ્યું હતું. આથી હવે તે નિશ્ર્ચિત થઇ ગયું છે કે તેઓ આ સ્પર્ધામાં ઉતરવા માટે તૈયાર છે. ઉલ્લેખનિય છે કે 2020માં યશવંત સિંહા ભાજપ છોડી તૃણમૂલમાં જોડાયા હતા અને તેના ઉપપ્રમુખ તરીકે રહ્યા છે. પૂર્વ વિદેશ મંત્રી અને નાણાંમંત્રી પદે રહેલા 84 વર્ષના સિંહા, વિપક્ષોમાં સર્વ સંમતિ પ્રેરી શકશે, અને ગોપાલ કૃષ્ણ ગાંધી કે ફારૂક અબ્દુલ્લાનું ઉમેદવાર તરીકે નામ રજૂ કરનાર શિવસેનાને પણ પ્રેરણા આપી શકશે. તેમ માનવામાં આવે છે. તે સર્વવિદિત છે કે ગોપાલ કૃષ્ણ ગાંધી અને ફારૂક અબ્દુલ્લા બંનેએ તે સ્પર્ધામાં રહેવા માટે અસંમતિ દર્શાવી હતી. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24મી જુલાઈએ પૂરો થઈ રહ્યો છે ત્યારે વિપક્ષે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે યશવંત સિંહાને મેદાનમાં ઉતારતા 18 મી જુલાઈએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાશે. મતગણતરી 21મી જુલાઈએ થશે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ 29 જૂન છે.