સેનામાં ભરતીની અગ્નિપથ યોજના સામે યુવાનોનો વિરોધ સતત ચોથા દિવસે યથાવત રહ્યો છે. રાજધાની દિલ્હી સહિત 13 રાજયોમાં યુવાનોનું ગૃહપ્રદર્શન ઉગ્ર બન્યું છે. આજે પણ પ્રદર્શનકારીઓએ રસ્તા રોકો, ધરણા અને સૂત્રોચ્ચાર યથાવત રાખ્યા હતા. બીજી તરફ ચાર દિવસથી ચાલી રહેલાં યુવાનોના વિરોધ વચ્ચે અગ્નિપથ યોજના પર વિચાર કરવા માટે રક્ષામંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજવામાં આવી છે. જેમાં સેનાની ત્રણેય પાંખોના વડા અગ્નિપથ યોજના અંગે ચર્ચા કરી રહયા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવતમાન આ યોજના પાછી લેવા માંગણી કરી છે.
બિહારમાં સેના ભરતીની નવી સ્કીમ અગ્નિપથને લઈને રસ્તાઓ પર સંગ્રામ ચાલું છે. અગ્નિપથને લઈને બિહારમાં યુવાનોનો આક્રોશ યથાવત છે. સતત ચોથા દિવસે પણ બિહારમાં પ્રદર્શન ચાલુ છે.
યુવાનો રસ્તાઓ પર છે. શનિવારે વહેલી સવારે જહાનાબાદમાં યુવકો રસ્તા પર ઉતરી આવ્યા અને આગચંપી શરૂ કરી દીધી હતી. જહાનાબાદ જિલ્લાના ટેહટામાં પ્રદર્શનકારિઓએ એક ટ્રક અને એક બસને આગ ચાંપી દીધી હતી. આ ઘટના ટેહટા આઉટ પોસ્ટના નજીકની છે. પ્રદર્શનકારીઓએ પથ્થરમારો પણ કર્યો હતો. ઘટનાની સૂચના મળતા જ ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ દળ પહોંચી ગઈ છે. પ્રદર્શનકારીઓ દ્વારા આગચંપી અને પથ્થરમારાની માહિતી મળતા જ જહાનાબાદના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. બગડતી પરિસ્થિતિને જોતા બિહાર સરકારે રાજ્યના 15 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરી દીધી છે. ઈન્ટરનેટ સસ્પેન્ડ કર્યાનો આદેશ આવતીકાલે એટલે કે 19 જૂન સુધી લાગુ રહેશે. સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજનાના વિરોધમાં ચાલું હિંસક પ્રદર્શન વચ્ચે અનેક વિદ્યાર્થી સંગઠનોએ આજે બિહાર બંધનું આહવાન કર્યું છે. વિદ્યાર્થી સંગઠનનું બિહાર બંધનું રાષ્ટ્રીય જનતા દળ, હિન્દુસ્તાન આવામ મોર્ચા અને વિકાસશીલ ઈન્સાન પાર્ટીએ પણ સમર્થન કર્યું છે.