જામનગર શહેરના વાણીયાવાડમાં ઢોરના આતંકનો ભોગ બનેલા વેપારી વૃદ્ધનું મોત નીપજ્યાની ઘટનાએ શહેરીજનોમાં ફફડાટ ફેલાવી દીધો છે. છેલ્લા એક વર્ષમાં રખડતા પશુઓ દ્વારા શહેરીજનો ઉપર કરાયેલા હુમલાની ચાર ઘટનાઓના CCTV ફૂટેજો બહાર આવ્યા છે, ત્યારે આ સિવાયની કેટલીય ઘટનાઓ બની ગઈ હશે ?? શાશકપક્ષ અને વિપક્ષના નગરસેવકો દ્વારા અવારનવાર કરાયેલી રજુઆતોને નિંભર તંત્રએ કચરાની પેટીમાં ફેકી દીધી છે. ત્યારે ગઈકાલે બનેલી ઘટનાએ અરેરાટી ફેલાવી દીધી છે અને શહેરીજનોની દરકાર ન કરતાં તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.
ખબર ગુજરાતની ટીમ આજે ઘટના સ્થળે ગઈ ત્યારે જે સ્થળે વૃદ્ધનો ભોગ લેવાયો હતો તે સ્થળે પણ આજે ઢોર નજરે પડ્યા હતા. આ કેવી કામગીરી ?? આ વિસ્તારમાં જૈન ઉપાશ્રય અને ટ્યુશન કલાસીસ હોવાથી લોકો હવે તો પસાર થતા પણ ફફડે છે. બીજી તરફ ઢોર તંત્રના અધિકારીઓ માત્ર દેખાડા પુરતી કામગીરી કરી મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવીને સંતોષ માની લ્યે છે. AC ઓફિસમાં બેસીને નિર્ણયો લેતા બેદરકાર અધિકારીઓને પ્રજાની દરકાર જ નથી. “શહેરીજનો મરે તો ભલે મરે અમારે શું ?” શાશક અને વિરોધ પક્ષના કોર્પોરેટરો દ્વારા ઢોરનો આતંક ન વકરે તે માટે અવારનવાર કરાયેલી રજુઆતો ને પણ આ નિંભર અધિકારીઓ ઘોળીને પી ગયા છે.
મહાનગરપાલિકાની પ્રાથમિક અને પ્રથમ જવાબદારી શહેરીજનોની સુખાકારી અને સલામતી છે, પરંતુ શાસકો સત્તામાં આવ્યા પછી કોણ પ્રજા અને કોની સલામતી ??!!!! ચુંટણી સમયે પ્રજા યાદ આવે, ચુંટણી પતી અને પ્રજા વેરી બની. આવી ગંભીર ઘટનામાં ખરેખરતો જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ કરીને દાખલો બેસાડવો જોઈએ પરંતુ સત્તા કોને ન ગમે ?