રાજકોટ બાદ જામનગર શહેરમાં પણ આગામી શ્રાવણી લોકમેળા યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જામનગર મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ, રંગમતિ નદીના પટમાં તેમજ અન્ય બે જગ્યાઓ મળીને કુલ 4 સ્થાનોએ શ્રાવણી મેળાનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, મેળાનું આયોજન રાજય સરકારની મંજૂરી અને નિયમોને આધિન રહેશે. આ ઉપરાંત જામનગર શહેરમાં જિલ્લા પંચાયત પાસેના સર્કલમાં મહારાણા પ્રતાપની પૂર્ણ કદની અશ્ર્વ સાથેની કાંસાની પ્રતિમા મૂકવા માટે રૂા. 20.27 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.
ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જામનગર મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા હતા. જેમાં કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ઠપ્પ રહેલાં શ્રાવણી મેળા યોજવાનો સૈધ્ધાંતિ સ્વીકાર કરવામાં આવ્યો હતો. શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ અને નદીના પટ સહિત મેળાના આયોજનને મંજૂરી આપવામાં આવી છે. જો કે, આ મંજૂરી રાજ સરકારના નિર્ણય અને નિયમોને આધિન રહેશે. જિલ્લા પંચાયત પાસેના સર્કલમાં મહારાણા પ્રતાપની પૂર્ણ કદની પ્રતિમા મૂકવા માટે 20.27 લાખના ખર્ચને પણ બહાલી આપવામાં આવી હતી. સ્થાયી સમિતિના આ નિર્ણયનું જામ્યુકોના ક્ષત્રિય કોર્પોરેટરો દ્વારા આવકારવામાં આવ્યો છે અને મહાપાલિકાના સત્તાધિશો પ્રત્યે આભારની લાગણી દર્શાવવામાં આવી છે.
આજની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પોલીસ હેડકવાર્ટર પાછળ ઇડબલ્યુએસ-ર ટાઇપના 544 આવાસો બનાવવાના કામ માટે રૂા. 66.42 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગ્રાઉન્ડ પ્લસ 8 માળના છ ટાવર બનાવવામાં આવશે. જેમાં દરેક ફલેટનું ક્ષેત્રફળ 38.50 ચોરસ મીટર રહેશે. બે બેડરૂમ હોલ ચિકન ધરાવતા આ ફલેટની કિંમત 5.5 લાખ રૂપિયા રહેશે. ઉપરાંત આ યોજનામાં કુલ 71 દુકાનો પણ બનાવવામાં આવશે. જેનું જાહેર હરરાજીથી વેચાણ કરવામા આવશે. મહાપાલિકા હસ્તકના બેડેશ્ર્વર તથા રણજીતસાગર ઢોરના ડબ્બાઓમાં ઘાસચારો સપ્લાય કરવા માટે રૂા. રપ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જયારે રાધિકા સ્કૂલથી હાપા માર્કેટીંગ યાર્ડ સુધીના મુખ્ય રોડનું ડામર કાર્પેટ કરવા માટે 4.81 કરોડનું ખર્ચ પણ મંજૂર કરવામાં આવ્યું છે.