વર્ષ 2011 થી 2022ના 12 વર્ષના પરિણામોના વિશ્ર્લેષણમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. આ 12 વર્ષમાં 1.13 કરોડ વિદ્યાર્થીઓએ ધા.10 બોર્ડની પરીક્ષા આપી હતી તેમાંથી સરેરાશ 57.9 ટકા લેખે 64.68 લાખ વિદ્યાર્થીઓ પાસ અને 47.32 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા. નાપાસ વિદ્યાર્થીઓમાં રિપીટર વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો નથી પરંતુ આ 47.32 લાખ એવા વિદ્યાર્થીઓ છે જેમણે ધો.10 પછી અભ્યાસ જ છોડી દીધો અને છુટક કામમાં લાગી ગયા.
વર્ષ 2014 પછી ક્યારેય પરિણામ 60 ટકાની ઉપર નથી આવ્યું . વર્ષ 2011માં 71.06 ટકા પરિણામ આવ્યું હતું ત્યાર પછી પરિણામ સતત ઘટતું રહ્યું છે. 2020માં સૌથી ઓછું પરિણામ એટલે કે માત્ર 47.33 ટકા જ આવ્યું હતુ. બોર્ડ હવે માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની ટકાવારી જ જાહેર કરે છે અને એ જ સાચું પરિણામ છે એ રીતે જાહેરાત કરે છે.
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા એ નહી પરંતુ કેટલા નાપાસ થયા તેની ચિંતા સરકારે કરવી જોઇએ આ અંગે ગુજરાત સરકાર ક્યારેય વિચારણા કરી છે ? શું ગુજરાત વિધાનસભામાં ક્યારેય આવા ગંભીર પ્રશ્ન અંગે સઘન ચર્ચાઓ થઈ છે ખરી? છેલ્લા 12 વર્ષમાં નાપાસ થયેલા 47.32 લાખ વિદ્યાર્થીઓનું શું થયુ ? તેઓના અભ્યાસનું ભવિષ્ય અને કારકિર્દી શું તે અંગે સરકારે ક્યારેય કોઇ સર્વે કર્યો નથી. એમ કહેતા એજ્યુકેશન સ્ટ્રેટેજિસ્ટ ડોે. જયેશ શાહ ઉમેરે છે કે અમે આ 47.32લાખ વિદ્યાર્થીઓનો ગુજરાતભરમાં સર્વે કર્યો તો જાણવા મળ્યુ કે કેટલાક ગેરેજ, ડ્રાઇવિંગ, સિલાઇકામ, દુકાન-મોલમાં નોકરી, શાકભાજી અથવા તો ખાણીપીણીની લારી, કોન્ટ્રાક્ટ પર છૂટક નોકરી અને છૂટક મજૂરીએ લાગી ગયા છે. જેમની મહિને આવક પાંચ હજારથી 30 હજાર સુધી છે જો કે 10 હજારથી વધુ આવક હોય એવા માત્ર 23.3 ટકા જ છે જ્યારે બીલકુલ આવક ના હોય અથવા તો પાંચ હજારથી ઓછી આવક હોય તેવા 33.3 ટકા છે એટલે કે 15,75,756 લોકો એવા છે જેમની મહિનાની આવક ઝીરો અથવા તો પાંચ હજારથી ઓછી છે.