કાશ્મીર ખીણમાં ટાર્ગેટ કિલીંગથી લઘુમતી હિન્દુઓ તથા બિન કાશ્મીરીઓમાં સર્જાયેલા ફફડાટ તથા શરૂ થયેલી હિજરત વચ્ચે પણ કેન્દ્ર સરકારે ઘાટીમાં પંડિતો સહિતના પુન:વસવાટમાં આગળ વધવા નિર્ણય લીધા છે તથા હાલ જે સરકારી કર્મચારીઓને ઘાટીમાં વસાવાયા છે. તેઓને જમ્મુમાં શીફટ કરવાની માંગણી નકારી વધુ સારી સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે. ગઈકાલે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષપદે ઉચ્ચ કક્ષાની બેઠકોનો ધમધમાટ રહ્યો હતો. જમ્મુ-કાશ્મીરના ઉપરાજયપાલ મનોજસિંહા પણ દિલ્હીમાં જ હતા અને તેમાં જે સરકારી કર્મચારીઓને દૂર દૂરના વિસ્તારોમાં નોકરી આપવામાં આવી છે. તેઓને સુરક્ષિત સ્થળો પર શીફટ કરાશે પણ જમ્મુ કે ખીણ બહાર મોકલાશે નહી. બીજી તરફ આ બેઠકમાં તા.30 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા યથાવત જ રાખવા અને યાત્રાની સુરક્ષા વધારવાનો નિર્ણય લેવાયો છે.
કોરોનાના કાળમાં મર્યાદીત બની ગયેલી આ યાત્રામાં ચાલું વર્ષ હિન્દુ શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શકયતા છે અને આ યાત્રા તા.30 જૂનથી તા.11 ઓગષ્ટ સુધી ચાલશે.જો કે યાત્રાની સુરક્ષા માટે ગૃહ મંત્રાલયમાં એક ખાસ ડેસ્ક કાર્યરત થશે. કાશ્મીર ખીણમાં પંડિતો અને બિનકાશ્મીરી જેવો અહી રોજગાર-ધંધા માટે વસે છે. તેઓને માટે ખાસ કોલોનીમાં નિર્માણ ચાલુ છે. કુલ રૂા.920 કરોડની યોજનામાં 6000 ફલેટનું નિર્માણ થશે. જેમાં 1025 તૈયાર થઈ ગયા છે. જો કે સરકાર દ્વારા સુરક્ષાની તમામ ખાતરીઓ એક બાદ એક પગલા છતા અસુરક્ષા અનુભવી રહેલા સરકારી કર્મચારીઓ તેમને સલામત સ્થાન પર બદલીની માંગ સાથે તેમનું આંદોલન યથાવત રાખ્યુ છે.