દેશની સૌથી મોટી સમસ્યા વસતી વધારો છે અને જે હદે ભારતમાં વસતી વધી રહી છે તે જોતા આગામી સમયમાં દેશમાં કયાંય પગ મૂકવાની જગ્યા નહીં રહે. આવી સ્થિતિમાં સૌથી તાકીદની જરૂર વસતી નિયંત્રણનો કાયદો લાવવાની છે. ભારતમાં વસતી નિયંત્રણનો કાયદો લાવવાની તાતી જરૂર છે અન્યથા બાજી બગડવાનું નક્કી છે. સરકારે પણ હવે આ દિશામાં વિચારવાનું શરૂ કર્યું છે.
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ગરીબ કલ્યાણ સંમેલનમાં બોલતા કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મંત્રી પ્રહલાદ પટેલે એક મહત્વની જાહેરાત કરી દીધી છે. મંત્રી પ્રહલાદ સિંહ પટેલે મંગળવારે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશમાં વસ્તી નિયંત્રણ માટે બિલ લાવશે. પત્રકારોએ જ્યારે તેમને કાયદા વિશે માહિતી માંગી તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જનસંખ્યા નિયંત્રણ બિલ જલ્દી આવશે. ચિતા કરો નહિ. જ્યારે આવા મોટા અને મજબૂત નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, ત્યારે બાકીના પણ ટૂંક સમયમાં આવશે.
પ્રહલાદ પટેલે કહ્યું કે જળ જીવન મિશનના લક્ષ્યાંક સરેરાશ 50 ટકાની નજીક છે. તેમણે કહ્યું કે રાજ્યનું નેતૃત્વ કેન્દ્રીય યોજનાઓને પણ લાગુ કરી શકયું નથી. પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકાર અત્યાર સુધીમાં જળ જીવન મિશનના લક્ષ્યાંકનો માત્ર 23 ટકા હિસ્સો જ પૂરો કરી શકી છે, જ્યારે દેશભરમાં તેની સરેરાશ 50 ટકાની નજીક છે. રાજ્યમાં પહેલેથી જ પાણીની મોટી સમસ્યા છે. એ જ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લક્ષ્ય છત્તીસગઢ હજુ સુધી હાંસલ કરી શકયું નથી. આ પહેલા આ કાર્યક્રમમાં કેન્રીય યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરતા તેમણે મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા આઠ વર્ષના કાર્યોની ગણના કરતા કહ્યું હતું કે, ગરીબોની સેવા અને કલ્યાણ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા રહી છે.