જામનગર નજીક નાઘેડીમાં સ્મશાનગૃહના ફેઇસ-1ના વિકાસ માટે શ્રી સત્યકબિર ગાદી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા ખર્ચ પેટે રૂા. 34.84 લાખની રકમ જામનગર મહાપાલિકા ટ્રસ્ટને ચૂકવશે. તેમજ ભવિષ્યમાં આ સ્મશાનના વહીવટ અને વિકાસ માટે જામનગર મહાપાલિકાના કબિર ટ્રસ્ટ સાથે એમઓયુ કરવાનો નિર્ણય જામ્યુકોની સ્થાયી સમિતિમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરની જુદી જુદી સોસાયટીઓમાં ડેવલોપર દ્વારા લગાવવામાં આવેલી સ્ટ્રીટલાઇટોની જાળવણી માટે કોર્પોરેશન દ્વારા મેઇટેનન્સ એજન્સી નક્કી કરવામાં આવશે અને આ એજન્સી આવી લાઇટોની મરામત અને જાળવણીની કામગીરી કરશે. તેવો નિર્ણય પણ સ્થાયી સમિતિની બેઠકમાં કરવામાં આવ્યો છે. જ્યારે રૂા. 6.81 લાખના ખર્ચે 600 નંગ ટ્રી ગાર્ડ ખરીદવામાં આવશે તથા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં રસ્તાની બંને સાઇડમાં તેમજ રોડ ડિવાઇડરમાં કરવામાં આવેલા પ્લાન્ટેશનમાં વૃક્ષોને પાણી પીવડાવવા માટે વાર્ષિક રૂા. 17 લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. આ બેઠકમાં કુલ 96 લાખના જુદા જુદા કામના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. ચેરમેન મનિષ કટારીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, સીટી ઇજનેર ભાવેશ જાની તેમજ જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.