જામનગર શહેરના સુમરા ચાલી વિસ્તારમાં સોમવારે રાત્રિના સમયે અગાઉની બોલાચાલીનો ખાર રાખી દંપતી સહિત ત્રણ શખ્સોએ યુવાન સહિત બે વ્યકિતઓ ઉપર તલવાર, છરી અને ધોકા વડે હુમલો કરી અપશબ્દો બોલી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે હુમલાખોરો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સુમરા ચાલી વિસ્તારમાં રહેતાં અને બ્રાસના ભંગારનો વ્યવસાય કરતાં આશિફ ખફી નામના યુવાનના ભત્રીજા સાહિલ સાથે જૂની બોલાચાલીનો ખાર રાખી સોમવારે રાત્રિના સમયે ટાઉનહોલ ખાતે પ્રસંગમાં અબ્બાસ મુસા ખફી, સકીનાબેન અબ્બાસ ખફી, નાવીદ અબ્બાસ ખફી નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી ઈમરાનને ખુરશીના બે ઠોંસા મારતા આશિફ અને તેનો ભત્રીજો સાહીલ આ હુમલા અંગે અબ્બાસને સમજાવવા ગયા હતાં તે દરમિયાન સુમરાચાલી વિસ્તારમાં દંપતી સહિતના ત્રણ શખ્સોએ તલવાર અને છરી તથા ધોકા વડે આશીફ તેમજ તેના ભત્રીજા સાહિલ ઉપર હુમલો કરી અપશબ્દો કહ્યા હતાં. હુમલામાં ઘવાયેલા આશિફને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ અંગેની જાણ થતા પીએસઆઈ આઈ. આઈ. નોયડા તથા સ્ટાફે આશિફના નિવેદનના આધારે દંપતી સહિતના ત્રણ શખ્સો વિરુધ્ધ હુમલાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


