જામનગર તાલુકાના ફલ્લા ગામ નજીક આવેલા વાડી વિસ્તારમાં રાત્રિના સમયે ખેતરમાં રખોપું કરતા વૃદ્ધ ઉપર ચાર જેટલા શખ્સોએ હુમલો કરી રોકડ અને દાગીના સહિત 60 હજારની માલમતાની લૂંટ ચલાવી પલાયન થઈ જતાં પોલીસ દ્વારા શહેર અને જિલ્લામાં નાકાબંધી કરી લૂંટારુઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
બનાવની મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના ફલ્લા ગામ નજીક આવેલા વાડી વિસ્તારમાં રહેતા ટીનાભાઈ બીજલભાઈ બાંભવા (ઉ.વ.65) (રહે. ફલ્લા) ગત રાત્રિના સમયે ખેતરમાં રખોપુ કરવા રોકાયા હતાં. ત્યારે મધ્યરાત્રિના સમયે એક અજાણ્યો શખ્સ વાડીમાં ઘૂસી ભરવાડ પર હુમલો કર્યો હતો અને રખોપુ કરનાર કાંઈપણ સમજે તે પહેલાં અન્ય ત્રણ શખ્સો આવી પહોંચ્યા હતાં અને વૃદ્ધને માર મારી કાનમાં પહેરેલા સોનાના ઠોરીયા, કુંડલ તથા ત્રણ વીંટી અને 15,000 ની રોકડ રકમ સહિત અંદાજે 60 હજારની કિંમતની માલમતાની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતાં. બનાવ અંગેની જાણ વૃધ્ધે તેના પુત્રને કરતા પુત્ર વાડી એ આવી પહોંચ્યો હતો અને ઘવાયેલા પિતાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
જ્યાં બનાવની જાણ કરાતા પંચ એ પોલીસ કાફલો અને એલસીબી-એસઓજી સહિતની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી તેમજ માર્ગ પરના સીસીટીવી ફૂટેજો ચેક કરવા તપાસ આરંભી હતી. પોલીસના પ્રાથમિક તારણમાં લૂંટારુઓ મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ એલસીબી-એસઓજીને લૂંટનો ભેદ તાત્કાલિક ઉકેલવા તાકીદ કરી હતી અને પંચ એ પોલીસે હુમલાનો ભોગ બનેલા ટીનાભાઈના નિવેદનના આધારે લૂંટનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.