ખંભાળિયામાં રહેતા અને ભાજપના મહિલા આગેવાનની યુવાન પુત્રી દ્વારા ગત તારીખ 6 મે ના રોજ આપઘાત કરી લીધાના બનાવમાં મૃતકના માતાએ તેણીના ભાવિ પતિના કથિત અસહ્ય ત્રાસ સંદર્ભે સિલસિલાબંધ પોલીસ ફરિયાદ નોંધાવતા ખંભાળિયા પોલીસે આપઘાતની દુષ્પ્રેરણા કરવા સબબ યુવતીના ભાવિ પતિ એવા વિપ્ર યુવાન સામે ગુનો નોંધ્યો છે.
ખંભાળિયા પંથક સાથે સમગ્ર બ્રહ્મ સમાજમાં ચકચારી એવા આ પ્રકરણ અંગે ખંભાળિયા તાલુકા ભાજપ મહિલા પ્રમુખ કિરણબેન ધર્મેન્દ્રભાઈ જોષી નામના મહિલાની 22 વર્ષીય પુત્રી હેમાંગી દ્વારા ગત તારીખ છઠ્ઠી મે ના રોજ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેવામાં આવી હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાવવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે મૃતક યુવતીના માતા કિરણબેન દ્વારા તેણીના પુત્રી હેમાંગીને મરી જવા માટે મજબૂર કરવા સબબ હેમાંગીના ભાવી પતિ એવા ખંભાળિયાના રહીશ રત્નદીપ રમેશભાઈ ખેતીયા સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ 22 વર્ષીય હેમાંગીને અગાઉ રત્નદીપ સાથે પ્રેમસંબંધ હોવાથી બંનેની સગાઈ કરવાનું હેમાંગી દ્વારા તેણીના પરિવારજનોને જણાવતા જે-તે સમયે હેમાંગીની માતાએ રત્નદીપને રૂબરૂ મળતા જો હેમાંગી સાથે રત્નદીપની સગાઈ નહીં કરવામાં આવે તો હેમાંગીના ફોટા તથા વિડીયો વાયરલ કરી બદનામ કરી નાખવાની ધમકી આપવામાં આવતા હેમાંગીની સગાઈ રત્નદીપ સાથે કરી દેવામાં આવી હતી.
ત્યારબાદ બંને વચ્ચે ફોન પર તથા રૂબરૂ અવારનવાર ઝગડા થતાં હેમાંગીના પરિવારજનો દ્વારા સમજાવટ ભર્યું વલણ દાખવવામાં આવ્યું હતું. તેમ છતાં પણ રત્નદીપ દ્વારા વધતા જતા કથિત ત્રાસથી બંને વચ્ચેની સગાઈ તોડી નાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હેમાંગી સાથે સગાઇ નહી તોડવા માટે રત્નદીપ દ્વારા બળજબરી તથા દબાણ કરવામાં આવતું હતું.
આ પછી ગત તા. 3 ના રોજ પરશુરામ જયંતિ શોભાયાત્રાના ફોટા હેમાંગી દ્વારા સોશિયલ મીડિયામાં મુકવામાં આવતા આનાથી ઉશ્કેરાયેલા રત્નદીપ દ્વારા ઘરે આવીને હેમાંગી સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો. આ પ્રકારના કથિત ત્રાસ કંટાળીને ગત તારીખ 5 ના રોજ હેમાંગીએ પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેને અહીંની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં આ સમગ્ર બાબત અંગે હેમાંગી દ્વારા તેની માતાને જાણ કરવામાં આવી હતી. બાદમાં ગત તા. 6 ના રોજ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
આમ, ભાવી વાગ્દત્તાને મારી જવા માટે મજબૂર કરવા સબબ મૃતકના માતા કિરણબેન ધર્મેન્દ્રભાઈ જોષીની ફરીયાદ પરથી ખંભાળિયા પોલીસે રત્નદીપ રમેશભાઈ ખેતિયા સામે પોતાની પુત્રીને મરી જવા માટે મજબૂર કરવા સબબ આઈ.પી.સી. કલમ 306 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
યુવતીને આપઘાત માટે મજબૂર કરનારા ભાવિ પતિ સામે ગુનો
યુવાનના કથિત ત્રાસથી કંટાળીને વાગ્દત્તાએ મોત મીઠું કર્યું હતું