ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ જાહેર કરાયેલા ધો. 12 સાયન્સના પરિણામમાં જામનગરના પાંચ વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે અને જામનગર જિલ્લાનું પરિણામ 83.45 ટકા જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પરિણામ 74.63 ટકા જાહેર થયું છે. જ્યારે રાજ્યનું 72.02 ટકા પરિણામ જાહેર થયું છે. રાજ્યમાં કુલ 196 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ સાથે ઉત્તિર્ણ થયા છે.
ગત તા. 28 માર્ચથી 8 એપ્રિલ દરમિયાન ધો. 12 સાયન્સની બોર્ડની પરીક્ષાઓ યોજાઇ હતી. જેમાં સમગ્ર રાજ્યમાં કુલ 140 કેન્દ્રો ઉપર 1,07,663 પરિક્ષાર્થીઓ નોંધાયા હતાં. જેમાંથી 1,06,347 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહીને પરીક્ષા આપી હતી. આજરોજ ધો. 12 સાયન્સનું પરિણામ પરીક્ષા પૂર્ણ થયાના 33 દિવસમાં જાહેર થયું હતું. જેમાં રાજ્યમાં કુલ 196 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ સાથે ઉત્તિર્ણ થયા હતાં અને સમગ્ર રાજ્યનું પરિણામ 72.02 ટકા જાહેર થયું હતું. રાજ્યમાં લાઠી કેન્દ્રનું 96.12 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર છે. જ્યારે લીમખેડા કેન્દ્ર 33.33 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છે. જિલ્લાવાર પરિણામમાં રાજકોટ જિલ્લો 85.78 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો છે. જ્યારે દાહોદ જિલ્લો 40.19 ટકા સાથે સૌથી ઓછું પરિણામ આવ્યું છે. રાજ્યમાં 64 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં એ ગ્રુપનું 78.40 ટકા, બી ગ્રુપનું 68.58 ટકા અને એબી ગ્રુપનું 78.38 ટકા પરિણામ જાહેર થયું છે. રાજ્યમાં 72 ટકા વિદ્યાર્થીઓ તથા 72.05 ટકા વિદ્યાર્થીનીઓ ઉત્તિર્ણ થઇ છે.
ધો. 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં જામનગર કેન્દ્રનું 79.92 ટકા જ્યારે ધ્રોલ કેન્દ્રનું 93.33 ટકા પરિણામ જાહેર થયું છે. જામનગર જિલ્લાનું 83.45 ટકા પરિણામ જાહેર થયું છે. જામનગર જિલ્લામાં કુલ 1550 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જે પૈકી 1541 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 5 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ, 68 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ, 211 વિદ્યાર્થીઓને બી-1 ગ્રેડ, 305 વિદ્યાર્થીઓને બી-2 ગ્રેડ, 385 વિદ્યાર્થીઓને સી-1 ગ્રેડ, 262 વિદ્યાર્થીઓને સી-2 ગ્રેડ, 50 વિદ્યાર્થીઓને ડી ગ્રેડ મળ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું 74.62 ટકા પરિણામ આવ્યું છે. જેમાં કેન્દ્રવાર પરિણામમાં ખંભાળિયા કેન્દ્રનું 77.78 ટકા, મીઠાપુર કેન્દ્રનું 63.51 ટકા પરિણામ જાહેર થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 336 વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા હતાં. જેમાંથી 335 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યાં હતાં. જે પૈકી 12 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ, 39 વિદ્યાર્થીઓને બી-1 ગ્રેડ, 58 વિદ્યાર્થીઓને બી-2 ગ્રેડ, 70 વિદ્યાર્થીઓને સી-1 ગ્રેડ, 59 વિદ્યાર્થીઓને સી-2 ગ્રેડ તથા 12 વિદ્યાર્થીઓને ડી ગ્રેડ મળ્યો છે. જ્યારે એ-1 ગ્રેડમાં એકપણ વિદ્યાર્થી નથી.
સમગ્ર રાજ્યમાં કુલ 95,715 નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જે પૈકી 95,361 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 196 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ, 3303 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ, 8989 વિદ્યાર્થીઓને બી-1 ગ્રેડ, 13751 વિદ્યાર્થીઓને બી-2 ગ્રેડ, 18561 વિદ્યાર્થીઓને સી-1 ગ્રેડ, 18982 વિદ્યાર્થીઓને સી-2 ગ્રેડ, 4873 વિદ્યાર્થીઓને ડી ગ્રેડ તથા 26 વિદ્યાર્થીઓને ઇ-1 ગ્રેડ મળ્યો છે.
ગતવર્ષે કોરોનાના કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ આ વર્ષે કોરોનાના કેસો ઘટતાં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીનીઓ આગળ રહી છે. 12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીનીઓનું 72.05 ટકા તથા વિદ્યાર્થીઓનું 72 ટકા પરિણામ આવ્યું છે.
એ ગ્રુપનું સૌથી વધુ પરિણામ
રાજ્યમાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 78.40 ટકા સાથે એ ગ્રુપનું સૌથી ઉંચુ પરિણામ આવ્યું છે. એ ગ્રુપમાં 33,446 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જેમાંથી 33,396 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું 78.40 ટકા પરિણામ આવ્યું છે. બી ગ્રુપમાં 62231 ઉમેદવારોમાંથી 61928 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેનું 68.58 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે એ, બી ગ્રુપમાં નોંધાયેલા 38 ઉમેદવારોમાંથી 37 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેનું 72.02 ટકા પરિણામ આવ્યું છે.