છોટીકાશી જામનગરમાં ધારાસભ્ય હકુભા જાડેજાના યજમાન પદે યોજાઇ રહેલી ભાગવત સપ્તાહમાં આજે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહયા હતા. ભાગવત સાર મેળવવા માટે પાટનગર ગાંધીનગરથી જામનગર પધારેલાં મુખ્યમંત્રીએ વ્યાસપીઠ પર બિરાજમાન ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા અને ભાગવત પોથીને પ્રણામ કરીને ભાગવતાશિષ મેળવ્યા હતા. મુખ્યમંત્રી આજે બપોરે ખાસ કથા શ્રવણ માટે જામનગર પધાર્યા હતા. એરપોર્ટથી સીધા જ તેઓ કથા સ્થળે પહોંચ્યા હતા. જયાં યજમાન હકુભા જાડેજા તથા અન્ય અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી સાથે રાજયના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ કથા શ્રવણ માટે ઉપસ્થિત રહયા હતા. તેમણે પણ ભાગવતાચાર્યના આર્શિવાદ મેળવ્યા હતા. જામનગરમાં યોજાઇ રહેલી ભાગવતકથાના આજે 7મા દિવસે અતિથિ તરીકે પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, વસુબેન ત્રિવેદી, પૂર્વ સાંસદ વલ્લભભાઈ કથીરિયા, વલ્લભરાયજી મહોદય (મોટી હવેલી), શેરનાથ બાપુ (જૂનાગઢ) પણ ઉપસ્થિત રહયા હતા.
છેલ્લા એક સપ્તાહથી યોજાઇ રહેલી ભાગવત કથામાં રાજયભરના જુદા-જુદા ક્ષેત્રના સામાજિક, રાજકીય, ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહી ભાગવત જ્ઞાન મેળવવાનો લ્હાવો લીધો હતો.